મોરબી તાલુકા પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી હાથ ધરી બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી જાહેરમાં જુગાર રમતા કુલ 9 ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને સ્થળેથી કુલ રૂ.45,550નો રોકડ મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ દરોડો રંગપર ગામે જાપા પાસે પાડવામાં આવ્યો હતો. સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા જગદીશભાઈ મોતીભાઈ નયા, સાગરભાઈ મોતીભાઈ નયા, ગોવિંદભાઈ છેલાભાઈ ગીંગોરા અને સુરેશભાઈ રમેશભાઈ કગથળા મળી કુલ 4 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રૂ.14,500 રોકડ કબજે કરવામાં આવી હતી.
ત્યારબાદ પોલીસે ભડીયાદ ગામે રામાપીરના ઢોરા પાસે રામદેવપીરના મંદિર પાછળની શેરીમાં દરોડો પાડ્યો હતો. અહીં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા હિતેષભાઈ અતુલભાઈ ત્રિવેદી, રસિકભાઈ ભીખાભાઈ ધોળકીયા, હસમુખભાઈ અતુલભાઈ ત્રિવેદી, સંતોષભાઈ મેરાભાઈ ઇટોદરા અને જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભાઈ પંચાણજી ઝાલા મળી કુલ 5 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી રૂ.31,050 રોકડ કબજે કરી હતી.
આ બંને બનાવમાં પોલીસે કુલ 9 આરોપીઓની ધરપકડ કરી રૂ.45,550નો રોકડ મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

