મોરબી તાલુકાના ખરેડા ગામની સીમ વિસ્તારમાં મગફળીના પાકમાં ટ્રેક્ટર ચલાવવાની બાબતે બે પડોશીઓ વચ્ચે તકરાર સર્જાઈ હતી. આ દરમિયાન એક શખ્સે ઉશ્કેરાઈને પથ્થર મારી આધેડને કાનના ભાગે ગંભીર ઈજા પહોંચાડ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ખરેડા ગામના રહેવાસી બચુભાઈ મહાદેવભાઈ ચાડમીયા (ઉંમર 55 વર્ષ)એ ગામના જ રમેશભાઈ કુગસીયા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, બચુભાઈની વાડીમાં મગફળીનો પાક વાવેલો હતો, જ્યાં આરોપી રમેશભાઈએ આ પાકની અંદર ટ્રેક્ટર ચલાવ્યું હતું. જેથી ફરિયાદીએ ટ્રેક્ટર ચલાવવાની ના પાડતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો.
આક્ષેપ મુજબ, આરોપીએ પોતાના હાથમાં રહેલો પથ્થર ફરિયાદીના કાનના ભાગે મારી દીધો હતો, જેના કારણે તેમને ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

