મોરબી તાલુકા પોલીસના સર્વેલન્સ સ્ટાફે પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ સામે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. ગોર ખીજડીયા ગામની સીમમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર તરફ જતા કાચા રસ્તા પર સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા 9 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા.
મળતી માહિતી મુજબ, પોલીસને બાતમી મળતાં ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. આ દરમિયાન જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા રોહિતભાઈ કાંતીભાઈ સરવૈયા, રફીકભાઈ નુરમામદભાઈ જામ, ગોપાલભાઈ મોમભાઈ બાબુથર, મહેશભાઈ સામંતભાઈ વિંઝવાડીયા, ભરતભાઈ બાબુભાઈ ચાવડા, પનીવેલ કૃપાસ્વામી આદિદ્રવીડન, સતીષભાઈ ઉર્ફે સતાભાઈ બેચરભાઈ રાવા, સંજયભાઈ ચંદુભાઈ પરેસા અને ગોપાલભાઈ લખાભાઈ જાદવને ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ.1,34,200ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા તમામ શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી મોરબી તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

