મોરબી તાલુકા પોલીસ દ્વારા પ્રોહિબિશન અને જુગાર અંગે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે જુગારના અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે ત્રણેય કાર્યવાહી દરમિયાન કુલ 17 શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રકમ સહિત અંદાજે રૂ.1,87,900નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પ્રથમ દરોડો મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં રંગપરથી જીવાપર જવાના રસ્તે ધનશ્યામસિંહ ઝાલાની માલિકીની વાડીની ઓરડીમાં પાડવામાં આવ્યો હતો. અહીં તીનપત્તીનો જુગાર રમતા ધનશ્યામસિંહ સજજનસિંહ ઝાલા, અલ્પેશભાઇ બાબુભાઇ કાનાણી, જગદીશભાઇ ચતુરભાઇ બાવરવા, મહેશભાઇ અંબારામભાઇ અંબાણી, રાજેશભાઇ કાનજીભાઇ મોટકા, ભરતભાઇ ચંદુભાઇ લોરીયા, સુરેશભાઇ દેવશીભાઇ જાલરીયા, કાંતીલાલ નાગજીભાઇ દેત્રોજા, જીજ્ઞેશભાઇ હરજીવનભાઇ કડીવાર, રમેશભાઇ ધરમશીભાઇ જેઠલોજા એમ કુલ 10 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી રોકડ રૂ.1,22,700 સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા શખ્સોમાં રાજેશભાઈ કાનજીભાઈ મોટકા પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે, જેઓ માળીયા તાલુકા ભાજપના કારોબારી સભ્ય હોવાનું પણ માહિતી મળી રહી છે.
આ ઉપરાંત મોરબી તાલુકાના બરવાળા ગામમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સંતોષભાઈ ગગજીભાઈ દેલવાણીયા, પ્રકાશભાઈ વિનોદભાઈ દેલવાણીયા અને દુર્ગેશભાઈ શીવાભાઈ દેલવાણીયાને પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડ રૂ.44,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
જ્યારે ત્રીજા દરોડામાં મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પ્રકાશભાઇ અમ્બુભાઇ હળવદીયા, અરજણભાઇ જેઠાભાઇ રીણીયા, અમીતભાઇ બાબુભાઇ રાણેવાડીયા અને સાગરભાઇ સામજીભાઇ કોરડીયા સહીત ચાર શખ્સો ઝડપાયા હતા. પોલીસે તેમની પાસેથી રોકડ રૂ.20,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આમ, મોરબી તાલુકા પોલીસે જુગારના ત્રણ અલગ-અલગ દરોડામાં કુલ 17 શખ્સોને ઝડપી પાડી રૂ.1,87,900ની રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

