મોરબી જિલ્લા ભારતીય મજૂર સંઘ દ્વારા કર્મચારીઓ અને શ્રમિકોના વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે ગુજરાતના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર મારફતે પાઠવાયેલા આ આવેદનમાં આશા તથા આશા ફેસિલિટેટર, આંગણવાડી વર્કર-હેલ્પર, બાંધકામ શ્રમિકો, મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ સહિત વિવિધ વર્ગના કર્મચારીઓના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે.
ભારતીય મજૂર સંઘે આશા ફેસિલિટેટર બહેનોને કાયમી કર્મચારીનો દરજ્જો આપવા, લઘુતમ વેતન ચૂકવવા, ઓનલાઇન-ઓફલાઇન કામગીરી બદલ મળવાપાત્ર ઇન્સેન્ટિવ સમયસર ચૂકવવા તેમજ ઓનલાઇન કામગીરી માટે સ્માર્ટ ફોનની સુવિધા આપવા માંગ કરી છે. સાથે જ આશા બહેનોને પણ કોડ કેસ અને અન્ય લાભોનો સમાવેશ કરવાની રજૂઆત કરવામાં આવી છે.
આંગણવાડી વર્કર અને હેલ્પર માટે લઘુતમ વેતન, દર વર્ષે 10 ટકા પગાર વધારો, પ્રમોશન તથા ખાલી જગ્યાઓ સમયસર ભરવા અને કામગીરી દરમિયાન અન્ય કામનો બોજ ન નાખવાની માંગ કરવામાં આવી છે. નિવૃત્તિની ઉંમર 60 વર્ષ કરવાની પણ રજૂઆત કરાઈ છે.
બાંધકામ શ્રમિકોના પ્રશ્નોમાં લગ્ન પ્રસંગે રૂ.20 હજારની સહાય, 60 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ રૂ.2 હજાર માસિક પેન્શન, રજીસ્ટ્રેશનની ઓનલાઇન તથા ઓફલાઇન સુવિધા અને બાંધકામ બોર્ડમાં સરકારી ભરતી વધારવાની માંગ કરવામાં આવી છે. બાંધકામ સેસની રકમનો ઉપયોગ બાંધકામ શ્રમિકોના હિતમાં કરવા તેમજ બોર્ડમાં શ્રમિક પ્રતિનિધિઓની નિમણૂક કરવાની પણ માંગણી કરાઈ છે.
મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને શાળા પોષણ સહાયક તરીકે જાહેર કરી લઘુતમ વેતન સહિતના લાભો આપવા, હાલની ચાર પોષણ યોજનાઓને ધ્યાનમાં રાખીને રૂ.30 હજાર માસિક વેતન આપવા અને યોજના સાથે સંકળાયેલા રસોઈ તથા અન્ય કર્મચારીઓને સામાજિક સુરક્ષાના લાભો આપવાની રજૂઆત કરવામાં આવી છે. અકસ્માત અથવા અન્ય દુર્ઘટનામાં પીડિત પરિવારને મુખ્યમંત્રી સહાય યોજના હેઠળ રૂ.4 લાખની સહાય આપવા પણ માંગ કરવામાં આવી છે.
આ ઉપરાંત માનદ સેવક તરીકેની સેવા નિવૃત્તિ વય 62 વર્ષ સુધી લંબાવવી, દરેક શાળાના રસોડા માટે હાઈજેનિક કીટ ઉપલબ્ધ કરાવવી તથા રાજ્ય સરકાર, બોર્ડ, કોર્પોરેશન અને નિગમોમાં ડીસ પગરમાં ફરજ બજાવતા કર્મચારીઓની સમસ્યાઓનો ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે.
ભારતીય મજૂર સંઘે રજૂ કરાયેલા તમામ પ્રશ્નોનું સત્વરે નિરાકરણ આવે તેવી મુખ્યમંત્રી સમક્ષ વિનંતી કરી છે.

