મોરબી જિલ્લામાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે મોરબી, હળવદ અને વાંકાનેર શહેરમાં ટ્રાફિક બ્રિગેડના માનદ સેવકોની ભરતી કરવામાં આવનાર છે. આ ભરતીમાં પુરુષ તેમજ મહિલા ઉમેદવારો અરજી કરી શકશે.
ભરતી માટે ઉમેદવારો પાસેથી તા. 15 ઓગસ્ટ 2026થી તા. 25 ઓગસ્ટ 2026 સુધી અરજી સ્વીકારવામાં આવશે. ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજો અને પ્રમાણપત્રોની નકલો સાથેનું અરજી ફોર્મ મોરબી પોલીસ અધિક્ષકની કચેરી, ટ્રાફિક શાખા, રૂમ નં. 11 ખાતે જમા કરાવવાનું રહેશે.
ભરતી માટે ઉમેદવારની ઉંમર 18થી 40 વર્ષ વચ્ચે હોવી જરૂરી છે. શૈક્ષણિક લાયકાત તરીકે ધોરણ-9 પાસ હોવું જરૂરી છે. શારીરિક લાયકાતમાં પુરુષ ઉમેદવારો માટે ઓછામાં ઓછી 5 ફૂટ 5 ઇંચ અને મહિલા ઉમેદવારો માટે 5 ફૂટ ઊંચાઈ નિર્ધારિત કરવામાં આવી છે.
મોરબી, હળવદ અને વાંકાનેર શહેર માટે અલગ-અલગ ભરતી થવાની હોવાથી ઉમેદવાર જે શહેર માટે અરજી કરે છે તે સંબંધિત મહાનગરપાલિકા અથવા નગરપાલિકા વિસ્તારનો સ્થાનિક રહેવાસી હોવો જરૂરી છે. ઉપરાંત, ઉમેદવાર વિરુદ્ધ કોઈ ગુનો નોંધાયેલો ન હોવો જોઈએ.
નિયત અરજી ફોર્મ પોલીસ અધિક્ષકની કચેરીની ટ્રાફિક શાખા, રૂમ નં. 11માંથી મેળવી શકાશે. ઉમેદવારોએ ફોર્મ સાથે જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલ જોડીને તા. 25 ઓગસ્ટ 2026 સુધીમાં પોલીસ અધિક્ષકની કચેરી, ટ્રાફિક શાખા, રૂમ નં. 11, સો-ઓરડી રોડ, કલેક્ટર કચેરીની બાજુમાં, મોરબી ખાતે જમા કરાવવાનું રહેશે.

