મોરબી એલસીબી અને પેરોલ-ફર્લો સ્કવોડે પ્રોહિબિશનના વિવિધ ગુનાઓમાં ફરાર એક રીઢા બુટલેગરને ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે. આરોપી છેલ્લા નવેક મહિનાથી પોલીસને ચકમો આપી નાસતો ફરતો હતો.
પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે, માળિયા (મીયાણા) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપી વિજય જયંતીભાઈ અઘારા (રહે. જૂના દેવળિયા, તા. હળવદ, જી. મોરબી) પોતાના નિવાસસ્થાને હાજર છે. ઉપરાંત તેની સામે અન્ય પ્રોહિબિશનના ગુનાઓમાં પણ કાર્યવાહી બાકી હોવાનું સામે આવ્યું હતું.
બાતમીના આધારે એલસીબીની ટીમે જૂના દેવળિયા ગામે દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ આરોપીને મોરબી એલસીબી કચેરી ખાતે લાવી કાયદેસરની અટકાયત કરવામાં આવી હતી.
પોલીસે આરોપીની ધરપકડ બાદ વધુ તપાસ હાથ ધરી છે અને તેની સામે નોંધાયેલા અન્ય ગુનાઓ અંગે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

