વાંકાનેર શહેરમાં 79 વર્ષીય વૃદ્ધને નિશાન બનાવી ત્રણ અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવ્યાની ઘટના સામે આવી છે. વડોદરાથી પરત ફરેલા વૃદ્ધ બસ સ્ટેશન તરફ જઈ રહ્યા હતા ત્યારે મોઢે રૂમાલ બાંધી આવેલા ત્રણ બાઇક સવારોએ તેમની સાથે ઝપાઝપી કરી રોકડ રકમ અને મહત્વના દસ્તાવેજો ભરેલો થેલો લૂંટી ફરાર થઈ ગયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના રવાપર રોડ પર આવેલા વેલકમ પ્રાઇડમાં રહેતા હરિલાલ નાનજીભાઈ વિડજા વાંકાનેરના જીનપરા જકાત નજીક કાથી દાણાપીઠ તરફ ચાલીને જઈ રહ્યા હતા. આ દરમિયાન નંબર પ્લેટ વગરના મોટરસાયકલ પર આવેલા ત્રણ શખ્સો તેમની પાસે ધસી આવ્યા હતા અને તેમના હાથમાં રહેલા થેલાની માંગણી કરી હતી.
વૃદ્ધે થેલો આપવાનો ઇનકાર કરતા ત્રણેય શખ્સોએ તેમને ઘેરી લઈ ઝપાઝપી કરી હતી. બાદમાં ધક્કો મારી નીચે પાડી દીધા હતા અને તેમના હાથમાંથી થેલો ઝૂંટવી લીધો હતો. થેલામાં અંદાજે રૂ. 3,000ની રોકડ રકમ, ઓળખકાર્ડ સહિતના મહત્વના દસ્તાવેજો રાખેલા હતા.
ઘટના બાદ ત્રણેય આરોપીઓ નંબર પ્લેટ વગરના બાઇક પર ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે હરિલાલભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

