HomeGujaratમોરબી મચ્છુ-2 ડેમ પાસે કેનાલ નજીકથી દારૂ ભરેલી ઇકો કાર ઝડપાઈ, રૂ....

મોરબી મચ્છુ-2 ડેમ પાસે કેનાલ નજીકથી દારૂ ભરેલી ઇકો કાર ઝડપાઈ, રૂ. 5.28 લાખનો મુદ્દામાલ જપ્ત

મોરબી એલસીબી અને પેરોલ-ફર્લો સ્ક્વોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે, સફેદ રંગની ઇકો કાર (રજી. નં. GJ-09-BJ-4437)માં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને એક શખ્સ રફાળેશ્વર તરફથી જોધપર નદી તરફ આવી રહ્યો છે.

આ માહિતીના આધારે પોલીસ ટીમે મચ્છુ-2 ડેમ નજીક નર્મદા કેનાલ પાસે રોડ પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ઇકો કાર ત્યાંથી પસાર થતાં તેને રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારના પાછળના ભાગમાં તેમજ ગાડીની નીચે ખાસ બનાવેલા બે ગુપ્ત ચોરખાના મળી આવ્યા હતા. આ બંને ચોરખાનામાંથી પોલીસે ઇંગ્લિશ દારૂની કુલ 493 બોટલો કબજે કરી હતી, જેની કિંમત રૂ. 1,28,513 હોવાનું સામે આવ્યું હતું.

આ ઉપરાંત વાહન સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 5,28,513નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે કાર ચાલક બ્રિજરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલા (ઉ.વ. 33), હાલ રહે. સુવાડા ગામ, કટોસણ રોડ, તા. દેત્રોજ, જિ. મહેસાણા (મૂળ વતન મોરબી)ને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી.

પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો મોકલનાર તરીકે પ્રવિણસિંહ ઝાલા (રહે. થરા, તા. કાંકરેજ, જિ. બનાસકાંઠા) તથા મોરબીના વજેપર વિસ્તારના અરવિંદભાઈ દાદુભાઈ બાટી દ્વારા આ જથ્થો મંગાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તપાસ દરમિયાન વધુમાં જાણવા મળ્યું હતું કે, આરોપી બ્રિજરાજસિંહ ઝાલા પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં પણ ફરાર છે. જેથી આ અંગે સાંતલપુર પોલીસને જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW