ટંકારા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે હીરાપર ગામના પાટિયા પાસે આવેલી ફ્લોરીમ ફેક્ટરીની સિક્યુરિટી રૂમમાં દરોડો પાડવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન ત્યાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ઉત્તર પ્રદેશના રહેવાસી રાજીવસિંહ રઘુરાજસિંહ ઠાકોર (ઉં.વ. 46)ની તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન તેના થેલામાંથી બે લોખંડની મેગેઝીન ધરાવતી દેશી બનાવટની પિસ્તોલ તેમજ 11 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આરોપી પાસે આ હથિયાર રાખવા માટે કોઈ માન્ય લાયસન્સ ન હોવાનું સામે આવતા પોલીસે પિસ્તોલ, કારતૂસ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 47,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ બનાવ અંગે પોલીસે આરોપીની અટકાયત કરી તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

