હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામમાં પત્નીની હત્યાના બનાવમાં પોલીસે આરોપી પતિની ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ પારિવારિક તકરાર દરમિયાન પતિએ ધારિયા જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા પત્નીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલ હથિયાર પણ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક માસુડીબેન વર્ષીભાઈ નાયક (ઉંમર 55), મૂળ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રહેવાસી હતા. તેઓ તેમના પતિ વર્ષીભાઈ જાડીયાભાઈ નાયક, પુત્ર રોહિતભાઈ અને પુત્રવધૂ સાથે નવા માલણીયાદ ગામની સીમમાં આવેલી એક વાડીમાં મજૂરી કામ કરતા હતા. આ બનાવ અંગે મૃતકના પુત્ર રોહિતભાઈ વર્ષીભાઈ નાયકે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, પારિવારિક વિવાદ દરમિયાન વર્ષીભાઈ નાયક ઉશ્કેરાઈ ગયા હતા અને ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારથી માસુડીબેનના છાતીના ભાગે જીવલેણ ઘા માર્યા હતા. ગંભીર ઇજાઓના કારણે માસુડીબેનનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું.
ઘટનાની જાણ થતાં જ હળવદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે મોકલ્યો હતો. ત્યારબાદ ઝડપી કાર્યવાહી કરીને આરોપી વર્ષીભાઈ નાયકની હત્યામાં વપરાયેલા હથિયાર સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

