મોરબી શહેરના વેજીટેબલ રોડ વિસ્તારમાં આવેલી શિવધારા સોસાયટીના પ્રવેશદ્વાર પાસે જૂના મનદુઃખને લઈને એક યુવક પર પિતા-પુત્રે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. હુમલામાં યુવકને શરીરના વિવિધ ભાગોમાં ઈજાઓ પહોંચતાં સમગ્ર મામલે મોરબી સિટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
પોલીસ ફરિયાદ મુજબ, વેજીટેબલ રોડ પર આવેલી ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા અને વેલ્ડિંગનું કામ કરતા જગદીશભાઈ ધિરૂભાઈ રેણુકાએ શિવધારા સોસાયટીમાં રહેતા દિલીપ બાવાજી અને તેમના પુત્ર રાજુ દિલીપભાઈ બાવાજી સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, અગાઉ બંને પક્ષ વચ્ચે થયેલી બોલાચાલી બાદ ફરિયાદી આરોપી દિલીપ સાથે વાતચીત કરતા ન હતા. આ બાબતનો ખાર રાખીને દિલીપે જાહેરમાં અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. ફરિયાદીએ વિરોધ કરતાં દિલીપે ગાડીના પટ્ટાના બકલ વડે ફરિયાદીના બંને પગ, ડાબા હાથની કોણી તેમજ હોઠના ભાગે માર મારી ઈજાઓ પહોંચાડી હતી.
દરમિયાન રાજુએ ઈંટના ટુકડાથી ફરિયાદીના માથાના ભાગે હુમલો કર્યો હતો. ત્યારબાદ બંને આરોપીઓએ મળીને વધુ મારપીટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

