HomeGujaratચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ

ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ

આગામી ચોમાસાની ઋતુ દરમિયાન સંભવિત ભારે વરસાદ કે આપત્તિની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને જાનમાલનું નુકસાન અટકાવવાના સુદ્રઢ આયોજનના ભાગરૂપે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા પ્રિ-મોન્સૂન બેઠક’ યોજાઈ હતી.

બેઠકમાં કલેક્ટરે વિગતવાર સમીક્ષા કરતાં પાછલા વર્ષોના વરસાદના આંકડા અને અગાઉના અનુભવોના આધારે સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લેવા તેમજ તાલુકા લાયઝન અધિકારીઓને સક્રિય ભૂમિકા ભજવવા સૂચના આપી હતી. આ ઉપરાંત, માળિયા પાસે મચ્છુ નદીના પાણીના સુચારુ નિકાલ માટે રેલ્વે નાળાની કામગીરીની સ્થિતિ, તમામ ડેમની ભયસૂચક સપાટી અને ડેમમાંથી પાણી છોડતા પહેલાં સ્થાનિકોને સમયસર એલર્ટ કરવા અંગે પણ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આપત્તિ વ્યવસ્થાપનને વધુ સક્ષમ બનાવવા માટે સ્થાનિક, તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ ઉપલબ્ધ બચાવ-રાહત સાધનો, આશ્રયસ્થાનો, કંટ્રોલરૂમની કાર્યક્ષમતા અને પી.જી.વી.સી.એલ.ની પૂર્વ તૈયારીઓ તેમજ આરોગ્ય વિભાગ પાસે જરૂરી દવાઓના પર્યાપ્ત જથ્થા બાબતે કલેક્ટરશ્રીએ સમીક્ષા કરી હતી. નીચાણવાળા ભાગોમાં પાણી ભરાવવાની સમસ્યા ન સર્જાય તે માટે નગરપાલિકાઓને ડી-વોટરિંગ પંપ તૈયાર રાખવા, નદી-નાળાની સફાઈ કરાવવા, હાઈવેની બંને બાજુ ડ્રેનેજ ક્લીન કરવા તેમજ રસ્તા અને બ્રિજની ચકાસણી કરી સાઈન બોર્ડ લગાવવા જણાવાયું હતું. સાથોસાથ, ભયજનક-જર્જરિત ઇમારતો હટાવી ત્યાં વસતા લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાવવા પણ સૂચના આપી હતી. વધુમાં કલેક્ટરે ફિલ્ડ સ્ટાફ અને અધિકારીઓએ પૂર્વ મંજૂરી વિના હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના આપી હતી. ઉપરાંત વહીવટી તંત્રના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ‘સચેત’ (Sachet) એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માર્ગદર્શન અપાયું હતું.

આ પ્રિ-મોન્સૂન સમીક્ષા બેઠકમાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક ડૉ. સુનિલકુમાર બેરવાલ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી,  એન.ડી.આર.એફ. ટીમની પ્રમુખ ઉપસ્થિતિ સહિત આપત્તિ વ્યવસ્થાપન સમિતિના સભ્યો અને સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW