હળવદ તાલુકાના ઢવાણા ગામમાં રહેતા વિશાલભાઈ વેરશીભાઈ દુધરેજીયા દ્વારા હળવદ પોલીસ મથકે બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદ મુજબ, ગામના મેહુલભાઈ સુરેશભાઈ છોગાળાએ વિશાલભાઈને તેમના પિતાના મૃત્યુ સંબંધિત હત્યાના કેસને પાછો ખેંચવા માટે દબાણ કર્યું હતું. જોકે વિશાલભાઈએ કેસ પાછો ખેંચવાનો ઇનકાર કરતા રમેશભાઈ ઠાકરશીભાઈ છોગાળાએ તેમને અપશબ્દો બોલ્યા હતા. વિશાલભાઈએ ગાળો ન બોલવા જણાવતાં રમેશભાઈએ ધોકા વડે તેમના પગમાં માર મારી ઇજા પહોંચાડી હતી.
આ ઉપરાંત મેહુલભાઈએ પોતાના હાથમાં રહેલા પોકા વડે વિશાલભાઈના હાથ પર પ્રહાર કરી ઇજા પહોંચાડી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બંને આરોપીઓએ વિશાલભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું નોંધાયું છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ તથા કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

