મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ગીતાબેન રમેશભાઈ દુબરીયા અને જિલ્લા વિકાસ અધિકારી (DDO) વિદ્યાસાગર (IAS)ના સંયુક્ત માર્ગદર્શન હેઠળ આગામી તારીખ 17/06/2026ને બુધવારના રોજ બપોરે 12 કલાકે જિલ્લા પંચાયતની સામાન્ય સભાની એક ખાસ બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક મોરબીના શોભેશ્વર રોડ પર આવેલા જિલ્લા પંચાયત ભવનના રૂમ નંબર 19 (સભાખંડ) ખાતે યોજાશે, જેમાં હાજર રહેવા માટે તમામ ચૂંટાયેલા સદસ્યઓને સત્તાવાર એજન્ડા સાથે આમંત્રણ પાઠવી દેવામાં આવ્યું છે.
આ ખાસ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લા પંચાયત હસ્તકની જુદી-જુદી વિષયવાર સમિતિઓની નવી રચના કરવાનો છે. આ ઉપરાંત ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની વિવિધ કલમો હેઠળ જિલ્લા પંચાયતને મળેલા કાનૂની અને વહીવટી અધિકારોની સુપ્રતિ એટલે કે સત્તાઓની સોંપણી અંગે આ સભામાં આખરી નિર્ણય લેવામાં આવશે. પંચાયત સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમિતિઓની રચના થવાથી આગામી દિવસોમાં ગ્રામ્ય સ્તરના વિકાસકામોની મંજૂરી અને અમલીકરણની પ્રક્રિયા વધુ ઝડપી બનશે.
આ સભા દરમિયાન અગાઉ યોજાયેલી સામાન્ય સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવશે તેમજ તે બેઠકમાં લેવાયેલા વિવિધ ઠરાવોની અમલવારીની વર્તમાન સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવશે. આ સાથે જ જિલ્લા પંચાયતના સભ્યો તરફથી રજૂ થયેલા લોકઉપયોગી પ્રસ્તાવો પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે અને અધ્યક્ષ સ્થાનેથી રજૂ થનારા તત્કાલીન પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે.

