HomeGujaratમોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન સામે રાજકોટ રેન્જ પોલીસની મોટી...

મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન સામે રાજકોટ રેન્જ પોલીસની મોટી કાર્યવાહી, રૂ. 4.60 કરોડનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ રેન્જ પોલીસ દ્વારા મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ અલગ-અલગ સ્થળોએ ગેરકાયદેસર રેતી ખનન અને વોસિંગની પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન કુલ રૂ. 4.60 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS)ના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા અને કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.

પ્રથમ કાર્યવાહીમાં મોરબી જિલ્લાના અમરેલી ગામની સીમમાં બાયપાસ નજીક મચ્છુ નદીના કાંઠેથી ગેરકાયદેસર રેતી વોશિંગ કરતા ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. સ્થળ પરથી ત્રણ ડમ્પર અને એક જેસીબી સહિત કુલ રૂ. 1.10 કરોડનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.

બીજી કાર્યવાહીમાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જાખણ ગામ નજીક ભોગાવો નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરતા ઇસમો પાસેથી બે ડમ્પર અને એક હિટાચી મશીન સહિત કુલ રૂ. 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

જ્યારે ત્રીજી કાર્યવાહીમાં લીંબડી તાલુકાના બોડીયા ગામની સીમમાં ગેરકાયદેસર રેતી ખનન કરી વોશિંગ પ્લાન્ટ ચલાવતા ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. અહીંથી આઠ ડમ્પર અને લોડર સહિત કુલ રૂ. 2.50 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

ત્રણેય સ્થળોએ કરાયેલી કાર્યવાહીમાં કુલ 13 ડમ્પર-લોડર અને બે હિટાચી-જેસીબી સહિત રૂ. 4.60 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ત્યારબાદ સ્થાનિક પોલીસ તેમજ ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને જાણ કરી આરોપીઓ અને મુદ્દામાલને કાયદેસરની કાર્યવાહી માટે સંબંધિત પોલીસ મથકોને સોંપવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW