પૈસા આપી નકલી પ્રેસકાર્ડ મેળવી તોડપાણી કરતા તત્વો સામે ઝુંબેશ ચલાવવા જિલ્લા પોલીસ વડાને રજૂઆત
મોરબી શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પત્રકારત્વના કોઈ પણ પ્રકારના અભ્યાસ કે અનુભવ વગરના અસામાજિક તત્વો દ્વારા પૈસા આપીને ખોટા પ્રેસકાર્ડ ખરીદવાનું દૂષણ વ્યાપક બન્યું છે. કોઈપણ મંજૂરી વગર યુટ્યુબ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ન્યૂઝના નામે ચેનલો શરૂ કરી નિર્દોષ લોકોને બ્લેકમેલ કરતા બોગસ પત્રકારો સામે કડક કાર્યવાહી કરી ખાસ ચેકિંગ ઝુંબેશ શરૂ કરવા મોરબીના માન્ય અને સાચા પત્રકારો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે.
ગઈકાલે જ મોરબી પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન ૧૦ હજાર રૂપિયામાં પ્રેસકાર્ડ ખરીદીને પોલીસ પર રોફ જમાવતા એક ૯ ધોરણ પાસ બોગસ પત્રકાર અને તેને આ નકલી કાર્ડ વેચનાર સ્થાનિક શખ્સ સામે કડક કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કિસ્સો જ દર્શાવે છે કે જિલ્લામાં નકલી પત્રકારોનું નેટવર્ક કેટલું ફૂલ્યુંફાલ્યું છે. આવા તત્વો પોતાના વાહનો પર મોટા અક્ષરે ‘PRESS’ ના બોર્ડ લગાવીને સીન સપાટા નાખે છે અને લોકોને ડરાવી-ધમકાવી તોડપાણી કરે છે, જેના કારણે લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારત્વની છબી ખરડાઈ રહી છે. મોરબીના સાચા અને પ્રમાણિક પત્રકારોએ જણાવ્યું છે કે, આવા બોગસ તત્વોને કારણે સમાજમાં પત્રકારત્વનું નામ બદનામ થાય છે. આ મામલે પોલીસ અને વહીવટી તંત્ર સત્વરે જાગીને યોગ્ય કાર્યવાહી કરે અને સમગ્ર જિલ્લામાં ચેકિંગ ઝુંબેશ શરૂ કરે તે અત્યંત જરૂરી છે.
સ્થાનિક પત્રકારોએ પત્ર લખી મુખ્ય ૪ માંગણીઓ દોહરાવી:
-
: મોરબી જિલ્લામાં જે પણ ફોર-વ્હીલર કે ટુ-વ્હીલર વાહનો પર ‘PRESS’ લખેલું હોય, તેનું પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવે.
-
: પ્રેસકાર્ડ લઈને ફરતા શંકાસ્પદ લોકોની શૈક્ષણિક લાયકાત અને તેમના આઈ-કાર્ડ કઈ સંસ્થાના છે તેની યોગ્ય ખરાઈ કરવામાં આવે.
-
માત્ર ૧૦ હજાર જેવી રકમ લઈને ગેરકાયદેસર રીતે બોગસ પ્રેસકાર્ડ ઇશ્યૂ કરતી એજન્સીઓ કે વ્યક્તિઓના નેટવર્કને શોધી કાઢી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે.
-
બીએનએસ (BNS) હેઠળ ગુનો: તોડપાણી કે બ્લેકમેલિંગ કરતા બોગસ પત્રકારો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની આકરી કલમો હેઠળ ગુનો નોંધી સખત પગલાં લેવામાં આવે.

