મોરબી જિલ્લામાં મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલી અને વિવિધ પ્રકારની હિંસાથી પીડિત મહિલાઓને એક જ સ્થળે તમામ વહીવટી, કાનૂની અને તબીબી સહાય પૂરી પાડતા ‘સખી વન સ્ટોપ સેન્ટર’ની જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરએ સેન્ટર ખાતે પીડિત મહિલાઓને આપવામાં આવતી વિવિધ સેવાઓ અને સુવિધાઓની ઝીણવટભરી સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કલેક્ટર સ્વપ્નિલ ખરેએ કેન્દ્રના સત્તાવાર રેકોર્ડ જેવા કે કેસ રજિસ્ટર, કાઉન્સેલિંગ રેકોર્ડ, પોલીસ સંકલન નોંધ તેમજ કાનૂની સહાય રજિસ્ટર સહિતના તમામ જરૂરી દસ્તાવેજોની પ્રત્યક્ષ ચકાસણી કરી હતી. તેઓએ કેન્દ્રના અધિકારીઓ અને કર્મચારીઓને તાકીદ કરતા જણાવ્યું હતું કે, આ સેન્ટર ખાતે આવતી પ્રત્યેક મહિલાને અત્યંત સંવેદનશીલતા પૂર્વક સાંભળીને સમયસર ન્યાય અને આશ્રય મળે તે સુનિશ્ચિત કરવું જોઈએ. વળી, કેસોના ઝડપી નિરાકરણ, પીડિત મહિલાઓની સંપૂર્ણ ગોપનીયતા (Privacy) જાળવવા અને વિવિધ વિભાગો સાથે સંકલન સાધીને સંકલિત સેવાઓ આપવા પર તેઓએ ભાર મૂક્યો હતો.
કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં પીડિત મહિલાઓને સુરક્ષા અને ન્યાય અપાવવાના ઉમદા આશયથી આશરે 971 જેટલા ‘સખી વન સ્ટોપ સેન્ટરો’ કાર્યરત કરવામાં આવ્યા છે. ભારત સરકારના સત્તાવાર ‘મિશન શક્તિ ડેશબોર્ડ’ ના તાજેતરના આંકડા મુજબ, મોરબી જિલ્લાનું સખી વન સ્ટોપ સેન્ટર સમગ્ર દેશના આ 971 કેન્દ્રોમાંથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે 22 મા ક્રમે સ્થાન મેળવ્યું છે, જે મોરબી જિલ્લા વહીવટી તંત્રની મહિલા સુરક્ષા પ્રત્યેની અસરકારક અને સંવેદનશીલ કામગીરીને પ્રતિબિંબિત કરે છે.
, ઘરેલુ હિંસા, માનસિક કે શારીરિક હેરાનગતિ, દહેજ પ્રથા, લૈંગિક શોષણ (Sexual Harassment) અથવા અન્ય કોઈ પણ પ્રકારની પીડાનો ભોગ બનેલી મહિલાઓને ત્વરિત ન્યાય આપવા માટે સખી વન સ્ટોપ સેન્ટર ચોવીસ કલાક કાર્યરત છે. અહીં પીડિત મહિલાઓને તજજ્ઞો દ્વારા કાઉન્સેલિંગ, મફત કાનૂની માર્ગદર્શન, તાત્કાલિક પોલીસ સહાય, તબીબી સારવાર તેમજ કટોકટીના સમયે અપાતો અસ્થાયી આશ્રય (Shelter) જેવી તમામ સેવાઓ એક જ છત નીચે વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.

