હળવદ નજીક ગૌરક્ષકો અને પોલીસની સતર્કતાથી પશુઓને કતલખાને લઈ જતો એક આઇસર ટ્રક ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન બે શખ્સોની અટકાયત કરવામાં આવી હતી તેમજ 35 પશુઓને બચાવી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, તા. 9/5/2026ના રોજ વહેલી સવારે ગૌરક્ષકોને બાતમી મળી હતી કે કચ્છ તરફથી એક આઇસર ટ્રક માળિયા મારફતે અમદાવાદ તરફ જઈ રહ્યો છે અને તેમાં પશુઓને કતલ માટે લઈ જવાઈ રહ્યા છે. આ જાણકારીના આધારે મોરબી, હળવદ, કચ્છ, ધાંગધ્રા અને વિરમગામના ગૌરક્ષકો સાથે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ યુવા વાહિની તથા અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદના કાર્યકરોએ સંયુક્ત રીતે વોચ ગોઠવી હતી.
બાતમી મુજબનો GJ-27-TD-8780 નંબરનો ટ્રક દેખાતા ગૌરક્ષકોએ તેનો પીછો શરૂ કર્યો હતો. ટ્રક ચાલકે ઝડપથી વાહન દોડાવી ભાગવાનો પ્રયાસ કરતા હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે સરા ચોકડી નજીક નાકાબંધી ગોઠવી ટ્રકને અટકાવ્યો હતો. ટ્રકની તપાસ દરમિયાન અંદરથી ખીચોખીચ ભરેલા 35 પશુઓ મળી આવ્યા હતા, જેને ક્રૂરતાપૂર્વક લઈ જવાઈ રહ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તાત્કાલિક બે આરોપીઓને ઝડપી પાડી ટ્રક જપ્ત કર્યો હતો અને હળવદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. પછી તમામ પશુઓને સલામત રીતે મહાજન પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઓપરેશનમાં હળવદ પોલીસ અને વિવિધ ગૌરક્ષક સંગઠનોનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો.

