હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસેથી થોડા દિવસો પહેલા એક વર્ષના માસૂમ બાળકની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી હતી, પરંતુ હવે આ કેસમાં જે ખુલાસો થયો છે તે સાંભળીને કોઈપણ વ્યક્તિનું હૃદય દ્રવી ઉઠશે. જેને આપણે રક્ષક માનીએ છીએ તેવો ‘પિતા’ જ જ્યારે ભક્ષક બને, ત્યારે સમાજ માટે આનાથી મોટી કમનસીબી શું હોઈ શકે? એક ક્રૂર પિતા દ્વારા આચરવામાં આવેલી ક્રુરતા અંગે મળતી માહિતી મુજ્બ હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસે નદીના કાંઠે બાવળની ઝાડીઓમાંથી એક માસૂમ બાળકની લાશ મળી આવી હતી. હળવદ પોલીસના પી.એસ.આઈ. એ.બી. મિશ્રા અને તેમની ટીમે જ્યારે તપાસના ચક્રો ગતિમાન કર્યા, ત્યારે કડીઓ સાંધતા જાણવા મળ્યું કે આ બાળકનું નામ ‘નવશિક’ હતું. પરંતુ ચોંકાવનારી વાત એ હતી કે આ બાળકની હત્યા કે તેને ત્યજી દેવા પાછળ તેના જ પિતા ભયલુ ઉર્ફે રાજુ તેરસિંગ બામણીયાનો હાથ હતો.
ક્રૂરતાનું કારણ: ચાર લગ્ન અને પારિવારિક કલેશ આરોપી રાજુ મૂળ દાહોદનો વતની છે અને હાલ હળવદના રાયસંગપર ગામની સીમમાં મજૂરી કામ કરતો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે રાજુએ અત્યાર સુધીમાં ચાર લગ્ન કર્યા છે. મૃતક નવશિક તેની ત્રીજી પત્ની રંગાબેનનું સંતાન હતું. ત્રીજી પત્ની સાથે છૂટાછેડા થયા બાદ બાળકની જવાબદારી રાજુ પાસે હતી.
પરંતુ, રાજુની ચોથી પત્નીને આ બાળક પ્રત્યે નફરત હતી. બાળકની સારસંભાળ બાબતે પતિ-પત્ની વચ્ચે વારંવાર ઉગ્ર ઝઘડા થતા હતા. આ રોજ-રોજના ક્લેશથી કંટાળીને પાષાણ હૃદયના પિતાએ પોતાના જ લોહીને રસ્તામાંથી હટાવવાનું નક્કી કર્યું. ગત ૨૪ એપ્રિલના રોજ રાજુ પોતાના જ પુત્રને સુસવાવની નદી પાસે કાંટાળી ઝાડીઓમાં નિર્દયતાપૂર્વક છોડીને ફરાર થઈ ગયો હતો, જ્યાં ભૂખ, તરસ અથવા જંગલી જાનવરોના કારણે માસૂમનું મોત નીપજ્યું હોવાની શંકા છે.
પોલીસ કાર્યવાહી: હાલ હળવદ પોલીસે નરાધમ પિતા સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા માટે વિવિધ ટીમો બનાવી તપાસ તેજ કરી છે. એક માસૂમ ફૂલ જેવા બાળકની બલિ તેના જ પિતાના અંગત સ્વાર્થ અને કલેશમાં લેવાતા સમગ્ર હળવદ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

