મોરબી શહેરીજનોને આગામી વર્ષોમાં સારું ફરવા લાયક સ્થળ મળવા જઈ રહ્યું છે અને તેની કામગીરી મહાનગરપાલિકા દ્વારા ખાનગી એજન્સીને સોપવામાં છે મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી પસાર થતી મચ્છુ 2 કેનાલને બોક્સ કન્ડ્યુટ કરવામાં આવી રહી છે.આ કામની શરુઆત દલવાડી સર્કલથી ઉમિયા સર્કલ વચ્ચેના ભાગમાં શરુ થઈ ચુકી છે. રૂ 55 કરોડ, 80 લાખના ખર્ચે શહેરના દલવાડી સર્કલથી બોરિયા પાટી સુધીનો ભાગ અન્ડર ગ્રાઉન્ડ થતા આવનાર વર્ષોમાં એક નવું ફરવાનું સ્થળ મળશે. આ ઉપરાંત હાલ જે વિસ્તાર ગંદો હોવાંની સાથે વાહન ચાલકો માટે જોખમી છે, તેમાંથી પણ મુક્તિ મળશે તેવી આશા સેવાઈ રહી છે.આ પ્રોજેક્ટ માટે કુલ રૂ. 55કરોડ .47 લાખના ખર્ચની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવતા આ અંગે ટેન્ડર પ્રકિયા હાથ ધરવામાં આવી હતી, જે પ્રકિયા પૂર્ણ થયા બાદ ખાનગી એજન્સીને કામ સોપાયું હતું. હાલ ખાનગી કંપની દ્વારા કેનાલને કન્ડ્યુટ કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મોરબી શહેરને આધુનિક અને સુંદર સ્વરૂપ મળશે તેમજ ગંદકીથી મુક્તિ મળશે તેમ મહાનગરપાલિકા તરફથી સામે આવ્યું છે
મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની ખેતી માટે મહત્વની એવા મચ્છુ 2 ડેમમાંથી કેનાલ થઈ ખેતરમાં શિયાળા અને ઉનાળા દરમિયાન સિંચાઈ માટે પાણી છોડવામાં આવે છે અને મચ્છુ 2 ડેમની મુખ્ય કેનાલ મોરબી શહેરની મધ્યમાંથી પસાર થઈ રહી છે. એક તરફ શહેરમાં પાર્કિગની જગ્યાનો અભાવ હોય અને ટ્રાફિક જામની સમસ્યા છે તો બીજી તરફ આ કેનાલમાં ગણતરીના દિવસ પૂરતો પાણીનો જથ્થો સિંચાઈ માટે છોડવામાં આવે છે બાકીના દિવસ દરમિયાન કેનાલ ખાલી રહે છે કેટલાક વિસ્તારમાં ભૂગર્ભ લાઈનના પાણી ભળી જતા હોય છે જેના કારણે ગંદકી પણ થતી હોય છે. મહાનગરપાલિકા દ્વારા મુખ્ય કેનાલની ઉપર આરસીસીથી બંધ કરવા રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગમાં તેના માટે દરખાસ્ત કરવામાં આવી હતી. જેની મંજુરી મળ્યા હતા શહેરી વિકાસ વિભાગ દ્વારા રકમ ફાળવવામાં આવી હતી જેની ટેન્ડર પ્રકિયા પૂર્ણ કરી મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત બોક્સ કેનાલ કંડ્યુટનું કામ ઝડપથી આગળ વધારાઇ રહ્યું છે.
કેવી રીતે બોક્સ કન્ડ્યુટનું બ્યુટીફિકેશન થશે?
કેનાલના હાલના સાયફન સ્ટ્રક્ચરને તેની મૂળ સ્થિતિમાં જ રાખી તેના પરના વી.આર.બી. સ્ટ્રક્ચરને ડિસ્મેન્ટલ કરાશે. બોક્સ કંડ્યુટમાં આશરે ૫૦૦ મીટરના અંતરે મેન્ટેનન્સ માટે મેનહોલ બનાવવામાં આવશે. બોક્સ કંડ્યુટની ઉપર વોકવે પાથ, પોકેટ ગાર્ડન, ફાઉન્ટેન અને સોલાર પેનલ જેવા સિટી બ્યુટિફિકેશનના કામો પણ કરવામાં આવશે.કેનાલ કવર થઇ જતાં ગંદકી ઘટશે અને એ જગ્યાનો ઉપયોગ થઇ શકશે

