મોરબીમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે ઠંડા પાણીની માંગમાં તોતિંગ વધારો થયો છે. ઓફિસો અને વ્યવસાયિક સ્થળોએ પીવાના પાણી તરીકે મિનરલ વોટરના જારનો બહોળો ઉપયોગ થઈ રહ્યો છે. જોકે, આ પાણીની ગુણવત્તાને લઈ ઉઠેલા સવાલો બાદ મોરબી મહાનગરપાલિકાની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ સક્રિય બની છે.
પાલિકાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા સત્યમ વોટર, રાજા મિનરલ વોટર અને સુપર ડીલક્સ વોટર સહિતના પ્લાન્ટ્સમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરી પાણીના નમૂના લેવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન નવલખી રોડ પર આવેલા ‘દેવ વોટર સપ્લાય’ અને ‘સુપર ડીલક્સ વોટર સપ્લાય’ ના નમૂના પ્રાથમિક દ્રષ્ટિએ અસંતોષકારક જણાતા તંત્રએ કડક વલણ અપનાવ્યું છે.
મહાનગરપાલિકાએ આ બંને વિક્રેતાઓને તાત્કાલિક અસરથી નોટિસ ફટકારી છે અને જ્યાં સુધી લેબોરેટરી રિપોર્ટ સંતોષકારક ન આવે ત્યાં સુધી પાણીનું વેચાણ સંપૂર્ણપણે બંધ રાખવાની સૂચના આપી છે. પાલિકાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર કોઈપણ વેપારીને બક્ષવામાં આવશે નહીં. તમામ વોટર પ્લાન્ટ સંચાલકોને પાણીના શુદ્ધિકરણ અને ગુણવત્તાના માપદંડો જાળવવા કડક તાકીદ કરવામાં આવી છે, અન્યથા આગામી દિવસોમાં વધુ કઠોર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

