હળવદના ભવાનીનગર ઢોરા લાંબી દેરી વિસ્તારમાં રહેતા મહેશભાઈ ઉર્ફે ગોપાલભાઈ ગોહિલ (ઉ.વ. 29)એ આરોપી એસ.પી.કોળી, સામંતભાઈ રામાભાઈ ભરવાડ, ગણપતભાઈ ભરવાડ અને નિલેષભાઈ હમાભાઈ સુરેલા સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, આરોપીઓ-એસ.પી. કોળી (રહે. કુંભારીયા, તા. માળીયા મિયાણા), તેમજ સામંતભાઈ ભરવાડ, ગણપતભાઈ ભરવાડ અને નિલેષભાઈ સુરેલા એક કાળા રંગની નંબર વિનાની ‘રામાધણી’ લખેલી અલ્ટો કારમાં આવ્યા હતા. તેઓએ મહેશભાઈને રસ્તામાં અટકાવી “વિજયભાઈ અને ભરતભાઈ સાથે કેમ બેસે છે?” કહી ઝઘડો શરૂ કર્યો હતો.
આ દરમિયાન આરોપીઓએ લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી તેમને ગંભીર રીતે ઇજા પહોંચાડી હતી. હુમલામાં મહેશભાઈના જમણા હાથમાં તેમજ ડાબા પગના ઢીંચણ અને પંજામાં ફ્રેક્ચર જેવી ઇજા થઈ હતી, ઉપરાંત શરીરના અન્ય ભાગોમાં પણ ઇજાઓ પહોંચી હતી. આરોપીઓએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

