HomeGujaratવાંકાનેર પંથકમાં સોલાર-પવન પ્રોજેક્ટમાંથી વાયર ચોરીનો ભંડાફોડ, લાખો રૂપિયાનો એલ્યુમિનિયમ વાયર ચોરનાર...

વાંકાનેર પંથકમાં સોલાર-પવન પ્રોજેક્ટમાંથી વાયર ચોરીનો ભંડાફોડ, લાખો રૂપિયાનો એલ્યુમિનિયમ વાયર ચોરનાર ગેંગ પકડાઈ

વાંકાનેર પંથકમાં પવનચક્કી અને સોલાર પ્રોજેક્ટ માટે ચાલી રહેલા કામ દરમિયાન મોટી વાયર ચોરીનો બનાવ સામે આવ્યો હતો. આ પ્રોજેક્ટ હેઠળ સબ-સ્ટેશન અને 33 કિ.વી. લાઇન સ્થાપવાનું કામ કલીનમેક્ષ એન્વિરો એનર્જી સોલ્યુશન લીમી. કંપની દ્વારા હાથ ધરાયું છે, જ્યારે તેનો પેટા કોન્ટ્રાક્ટ ઓપેરા એનર્જી, પ્રા.લી.કંપનીને સોંપવામાં આવ્યો હતો.

વાંકાનેર તાલુકાના વિવિધ વિસ્તારોમાં 33 કિ.વી. એલ્યુમિનિયમ વાયર નાખવાનું કામ ચાલુ હતું. આ દરમિયાન અજાણ્યા શખ્સોએ અલગ-અલગ સ્થળોએથી અંદાજે 3680 મીટર વાયર કાપી ચોરી કરી લીધો હતો. પ્રતિ મીટર આશરે 800 ગ્રામ વજન મુજબ કુલ અંદાજે 3000 કિલોગ્રામ વાયર ચોરાયો હતો, જેની કિંમત પ્રતિ મીટર રૂ. 300 પ્રમાણે કુલ રૂ. 11,04,000 થાય છે. ઉપરાંત અન્ય સ્થળેથી 1770 મીટર વાયર (કિંમત રૂ. 5,31,000) કાપીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. બનાવ અંગે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાઈ હતી.

આ ગુનાની તપાસ માટે વાંકાનેર વિસ્તારમાં મોરબી એલ.સી.બી.એ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ શરૂ કરી હતી. ભંગારના વેપારીઓ પર નજર રાખવા તેમજ વિવિધ ટીમો બનાવી સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.

તપાસ દરમિયાન રાતીદેવડી બાયપાસ રોડ પર પંચાસર ચોકડી નજીક આવેલા “ઇન્ડિયન પ્લાસ્ટિક” નામના ભંગારના ડેલામાં ચેકિંગ કરતાં પોલીસને ચોરી સાથે સંકળાયેલા કુકાભાઇ ઉર્ફે કુકો મનજીભાઇ ડાભી રહે.વિનયગઢ તા.વાંકાનેર, શૈલેષભાઇ રમેશભાઇ ગણાદીયા રહે. સતાપરગામ તા.વાંકાનેર, કરણભાઇ ઉર્ફે સંજય રાજાભાઇ ગણાદીયા રહે.સતાપર તા.વાંકાનેર, ભુરાભાઇ માલાભાઇ સરૈયા રહે. હીરાણા તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર તથા આરોપી હુશેનભાઇ વલીમામદભાઇ કાસમાણી રહે. ચંદ્રપુરગામ તા. વાંકાનેરવાળાને એમ પાંચ શખ્સો મળી આવ્યા. જેમાં ચાર આરોપીઓ વાયર ચોરી કરતી ગેંગના સભ્ય હોવાનું બહાર આવ્યું, જ્યારે એક આરોપી ચોરાયેલો માલ સંગ્રહમાં રાખતો હોવાનું જણાયું. પોલીસે કુલ રૂ. 14,13,600 કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને તમામ આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને આગળની કાર્યવાહી માટે તેમને વાંકાનેર તાલુકા પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW