જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગ ખાતે યોજાયેલી આઈસસ્ટોક સ્પોર્ટ્સ વિન્ટર નેશનલ ચેમ્પિયનશિપમાં મોરબી જિલ્લાના ખેલાડીઓએ યાદગાર સિદ્ધિ મેળવી સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. કડકડતી ઠંડી અને બરફીલા વાતાવરણ વચ્ચે યોજાયેલી આ રાષ્ટ્રીય સ્પર્ધામાં મોરબીના કુલ 8 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં સાત મહિલા ખેલાડીઓનો સમાવેશ થતો હતો.
હાલમાં ગુલમર્ગમાં ભારે હિમવર્ષા સાથે તાપમાન માઇનસ 10 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. આવા કઠિન સંજોગોમાં પણ મોરબીના ખેલાડીઓએ અદભુત ધૈર્ય અને કુશળતાનો પરિચય આપ્યો અને આઈસસ્ટોક સ્પોર્ટ્સમાં શાનદાર પ્રદર્શન કરી ગુજરાતને સમગ્ર દેશમાં ચેમ્પિયન બનાવ્યું હતું.
સ્પર્ધાના સિનિયર મહિલા વર્ગમાં દક્ષાબેન, પ્રફુલ્લાબેન અને હેતલબેને ટીમ ગેમ, ટીમ ટાર્ગેટ તથા ટીમ ડિસ્ટન્સ જેવી વિવિધ ઇવેન્ટ્સમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ રમત રજૂ કરી 2 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ મેળવ્યા હતા. જ્યારે સિનિયર પુરુષ કેટેગરીમાં મોરબીના એકમાત્ર પુરુષ ખેલાડી યોગેશ સંજયભાઈએ પોતાની પ્રતિભાના બળે 1 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
તે ઉપરાંત અંડર-16 ગર્લ્સ કેટેગરીમાં ખુશી આદ્રોજા, યાત્રા અને રુદ્રા જેવી યુવા ખેલાડીઓએ પણ સરાહનીય પ્રદર્શન કર્યું હતું. આ યુવા ત્રિપુટીએ કુલ 2 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ પોતાના નામે કરી મોરબી જિલ્લાના રમતજગતનું નામ રોશન કર્યું છે.
આ ભવ્ય સફળતા બદલ મોરબી જિલ્લાના રમતપ્રેમીઓ તથા સામાજિક અગ્રણીઓ દ્વારા તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. ખેલાડીઓની આ સિદ્ધિ આવનારા સમયમાં મોરબીના યુવા રમતવીરો માટે પ્રેરણાસ્રોત બની રહેશે.


