ગાંધીનગરના સેક્ટર-23 વિસ્તારમાં રહેતા સચિવાલયના નિવૃત્ત ઉચ્ચ અધિકારીના પુત્ર અને તેના પરિવાર દ્વારા સરકારી ટેન્ડર અપાવવાના બહાને કરોડો રૂપિયાનું વિશાળ કૌભાંડ આચરાયું હોવાની ગંભીર વિગતો સામે આવી છે. મોરબી સ્માર્ટ સિટી, સુરત રિવરફ્રન્ટ તથા ચૂંટણી દરમિયાન સીસીટીવી કેમેરા સ્થાપનાના ખોટા વર્ક ઓર્ડરો બતાવી રોકાણકારો પાસેથી રૂ. 7.61 કરોડથી વધુ રકમ પડાવી લીધી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ મથકે વધુ એક ફરિયાદ નોંધાઈ છે.
ચૂંટણીમાં CCTV ટેન્ડરની લાલચ આપી વિશ્વાસ જીત્યો
ગાંધીનગર સેક્ટર-23ની પંચવટી પાર્ક સોસાયટીમાં રહેતા અને બાંધકામ ક્ષેત્રે કાર્યરત મોન્ટુભાઈ ઇન્દુભાઈ પટેલને તેમના પાડોશી નિરવ મહેન્દ્રભાઈ દવેએ વર્ષ 2017 દરમિયાન પોતાની પેઢી ‘ઓમ એન્ટરપ્રાઇઝ’ને સરકાર તરફથી ચૂંટણીમાં ગાંધીનગર, અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં સીસીટીવી કેમેરા લગાવવાનું મોટું ટેન્ડર મળ્યું હોવાનું કહીને રોકાણ માટે પ્રોત્સાહન આપ્યું હતું.
નિવૃત્ત સચિવના પુત્ર હોવાના કારણે થયો અંધ વિશ્વાસ
નિરવ દવેના પિતા સચિવાલયમાં નાયબ સચિવ તરીકે ઉચ્ચ હોદ્દે રહી ચૂક્યા હોવાથી મોન્ટુભાઈને વાત પર સંપૂર્ણ વિશ્વાસ આવી ગયો હતો. પરિણામે તેમણે શરૂઆતમાં રૂ. 7 લાખનું રોકાણ કર્યું. ત્યારબાદ જૂનાગઢ જિલ્લામાં ઘરઘરમાં કચરા ટોપલી વિતરણના ટેન્ડરની વાત કરીને વધુ રકમ લેવામાં આવી, જેમાં દવે પરિવારના તમામ સભ્યો સંડોવાયેલા હતા.
ખોટા દસ્તાવેજો બનાવી એકસાથે 50 લાખની ઉઘરાણી
વર્ષ 2016થી 2025 દરમિયાન દવે પરિવારે અલગ અલગ તબક્કે રોકાણના બહાને કરોડો રૂપિયા મેળવી લીધા હતા. આ કૌભાંડમાં નિરવ દવેનો પુત્ર યજત દવે સરકારી પત્રો મેળવી કમ્પ્યુટર પર ફેરફાર કરીને પોતાની પેઢીનું નામ ઉમેરી ખોટા વર્ક ઓર્ડર તૈયાર કરતો હતો. આવા જ બનાવટી દસ્તાવેજોના આધારે મોરબી નગરપાલિકાના સ્માર્ટ સિટી પ્રોજેક્ટનું ટેન્ડર મળ્યાનું કહી મોન્ટુભાઈ પાસેથી એક જ વખતમાં રૂ. 50 લાખ લેવામાં આવ્યા હતા.
નગરપાલિકાની તપાસમાં ખુલ્લું પડ્યું કૌભાંડ
મોન્ટુભાઈના વિશ્વાસના આધાર પર તેમના અનેક મિત્રો અને ઓળખીતાઓએ પણ આ યોજનામાં પૈસા રોક્યા હતા. તપાસ દરમિયાન ખુલ્યું કે મોન્ટુભાઈ પાસેથી રૂ. 4.36 કરોડ, તેમના મિત્રોથી રૂ. 2.01 કરોડ અને અન્ય એક વ્યક્તિ પાસેથી રૂ. 1.25 કરોડ મળીને કુલ સાડા સાત કરોડથી વધુ રકમ દવે પરિવારે હડપ કરી હતી. બાદમાં મોન્ટુભાઈએ વિવિધ શહેરોની નગરપાલિકાઓમાં તપાસ કરાવતા જાણવા મળ્યું કે આવી કોઈ પેઢીને ક્યારેય કોઈ સરકારી ટેન્ડર ફાળવાયું જ નહોતું.

