મોરબીમાં એક મહિલા શિક્ષિકાના પતિ ના મોબાઈલ નંબર પર આરટીઓ ચલણના નામથી વોટ્સ એપ પર એપીકે ફાઈલ મોકલી તેના થકી બેન્ક એકાઉન્ટમાંથી રૂ. 24.34 લાખ રૂપિયા ની છેતર પીંડીની એક ઘટના બની હતી. આ ગુનો શોધવામાં સાઈબર ક્રાઈમ પોલીસને સફળતા મળી છે. મોરબી સાયબર ક્રાઈમ પોલીસે આ છેતરપીંડી સાથે ઝડપાયેલ રાજસ્થાનના જયપુરથી બે આરોપીની ધરપકડ કરી છે.
મોરબી શહેરના ન્યુ ચંદ્રેશનગરમાં રહેતા કાજલબેન ગામી નામની શિક્ષિકાના પતિના મોબાઈલ પર આરટીઓ ચલણની એપીકે ફાઈલનો મેસેજ આવ્યો હતો. તેમના પતિએ આ મેસેજ કાજલબેનના વોટ્સએપ પર ફોરવર્ડ કર્યો હતો. મેસેજ ખોલતાં જ મહિલાનો મોબાઈલ હેક થઈ ગયો હતો.અને મોબાઈલમાં ઓટીપી મેળવી હેકર દ્વારા ઓનલાઈન ટ્રાન્જેકશન કરવામાં આવ્યા હતા હેકર્સે કાજલબેનના એચડીએફસી બેન્ક એકાઉન્ટમાંથી 24,34,709 રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. કાજલબેને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદની તપાસ સાઈબર ક્રાઈમ પોલીસે તપાસ હાથ ધરી હતી મોરબી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ.વસાવા અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસમાં જયપુર, રાજસ્થાનના બે આરોપી તેજસિંહ રઘુવીરસિંહ ગૌર (24) અને અજયસિંગ ઉર્ફે અજુભાઈ ઉર્ફે રોહનસિંગ પ્રેમસિંહ ચૌહાણ (24)ની ધરપકડ કરવામાં આવી છે.બંને આરોપીને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.


