શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લાની વિવિધ શાળાઓમાં આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. જેમાંથી 1037 બાળકોની આંખમાં નંબર હોવાનું સામે આવતા તેમને ચશ્માંની જરૂર પડી હતી. રાજ્ય સરકાર દર વર્ષે આ માટે અલગથી ગ્રાન્ટ ફાળવે છે. આ વર્ષે પણ ચશ્માં માટે ગ્રાન્ટ ફાળવણી થઇ પણ ગાંધીનગરથી સબંધિત વિભાગે ટેન્ડર પ્રકિયા ન કરતા 1037 બાળકોને ચશ્માં મળી શક્યા ન હતા.
રાજ્ય સરકાર દ્વારા શાળા કે આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોમાં રહેલી જન્મજાત બીમારી ખોડ ખાપણની નાની વયથી ચકાસણી થાય અને વહેલી તકે તેનું નિદાન થઈ શકે તે માટે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ ચલાવવામાં આવે છે. અગાઉ રાજ્યમાં એક સાથે બે કે ત્રણ મહિનામાં મેગા કેમ્પ કરી ચકાસણી થતી હતી અને એક સાથે અલગ અલગ બીમારી ધરાવતા બાળકોને લાવી આવા બાળકોની સારવાર માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવતી હતી. જોકે છેલ્લા કેટલાક વર્ષથી કેમ્પના બદલે આ કાર્યક્રમ આખું વર્ષ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે અને આખા વર્ષ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શાળા કે આંગણવાડી માં તપાસની કરવામાં આવે છે. આ કામગીરીના ભાગરૂપે મોરબી જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ અને આઈસી ડી એસ દ્વારા સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ ચાલવામાં આવે છે અને અલગ-અલગ શાળા તેમજ આંગણવાડીમાં તપાસની કરવામાં આવે છે અને ગત વર્ષે જાન્યુઆરી 2024થી ફેબ્રુઆરી 2025 સુધીમાં અંદાજીત 1 લાખ 81 હજાર બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી જે પૈકીં 1037 બાળકોની આંખમાં નંબર હોવાનું સામે આવ્યું હતું. આ અંગેનો રીપોર્ટ ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવ્યો હતો. આ રીપોર્ટ આધારે જ રાજ્ય સરકારને મોરબીની સિવિલ હોસ્પિટલને ચશ્માં માટે ગ્રાન્ટ ફાળવણી કરવાની હોય છે. જોકે રાજ્ય સરકાર દ્વારા આ ગ્રાન્ટ 10 લાખ જેટલી રકમ ફાળવી તો કરી પણ ઉચ્ચ કક્ષાએ થી ટેન્ડર પ્રકિયા જ હાથ ધરી ન હતી. જેના કારણે મોરબી સિવિલ હોસ્પિટલના આંખ વિભાગમાંથી ચશ્માં માટે ઓર્ડર આપી ન શકાયો પરિણામે આખું વર્ષ પૂર્ણ થયું હોવા છતાં 1037 બાળકોને મોરબીની આંખની હોસ્પિટલ થકી નિશુલ્ક ચશ્માં મળી શક્યા ન હતા. જેથી અનેક ગરીબ વાલીઓને પોતાના ખર્ચે ચશ્માં લેવાની ફરજ પડી હતી. રાજ્ય સરકારની આ ગ્રાન્ટ મંજુર કરી પણ ટેન્ડર પ્રકિયા કે હાથ ન ધરી આ ક્યાં વિભાગની જવાબદારી હતી અને કોની બેદરકારી છે તે બાબતે તપાસ થાય તે પણ જરૂરી છે.
ફેબ્રુઆરી 2025માં બાળકોમાં હ્રદય ના07, કિડનીના 01 અને કેન્સરના 03 કેસ સામે આવ્યા,
મોરબી જિલ્લામાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત ફેબ્રુઆરી મહિનામાં બાળકોમાં હ્રદય સબંધી 22, કિડનીના 05 અને કેન્સર 03 કેસ સામે આવ્યા હતા. આ જ મહિનામાં અગાઉ 15 જેટલા બાળકોમાં હ્રદય, 4 જેટલા કીડની તેમજ 3 જેટલા બાળકોમાં કેન્સરના લક્ષણ જણાયા હતા તેની ફરી તપાસણી પણ કરવામાં આવી હતી.
સરકાર અમને દર વર્ષે જ્યાં કહે ત્યાં બાળકો ના નંબરનું લીસ્ટ પહોચાડી અને તે બનાવી આપે છે.
રાજ્ય સરકાર દર વર્ષે આ પ્રકારે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ કરે ત્યારે અમે અલગ અલગ શાળાના બાળકોના આંખની તપાસ કરી છીએ, બાદમાં સરકાર જયારે ટેન્ડર કરે છે અને બાદમાં અમને જે પેઢીનું નામ આપે ત્યાં ચશ્માં બનાવવા ઓર્ડર આપીએ છીએ આ વખતે અમને ચશ્માં માટે કોઈ સુચના મળી નથી તેથી ચશ્માં બન્યા નથી તેમ મોરબી સિવિલના આંખ વિભાગના ડો. કૈલા એ જણાવ્યું હતું.

