HomeGujaratબાળકીઓ પ્રત્યે થતા ભેદભાવ દુર કરવા 352 ગ્રામ પંચાયતમાં બાલિકા પંચાયતની રચના 

બાળકીઓ પ્રત્યે થતા ભેદભાવ દુર કરવા 352 ગ્રામ પંચાયતમાં બાલિકા પંચાયતની રચના 

બાલિકાઓના સારા પોષણયુક્ત સ્વાસ્થ્ય અને કૌશલ્ય વર્ધન સાથે ઉત્તમ જીવનશૈલી માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો ચલાવવામાં આવે છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક મહિલા કલ્યાણ વિભાગ હેઠળ વર્ષ 2015 થી બેટી બચાવો બેટી પઢાવો યોજના તથા 2019 થી વહાલી દિકરી યોજના કાર્યરત છે. આ યોજનાઓના સૂચકાંકમાં બાલિકા જન્મને પ્રોત્સાહન, પોષણ અને આરોગ્ય, દીકરીઓમાં ઉચ્ચ શિક્ષણ બાળ લગ્ન સલામતી અને સુરક્ષા મુખ્ય હોવાથી સદર યોજનાના સંકલનમાં જિલ્લાઓ ખાતે દરેક ગ્રામ પંચાયત ખાતે બાલિકા પંચાયતની રચના કરવામાં આવેલ છે.

બાલિકા પંચાયતએ એક બિન રાજકીય અનૌપચારિક મંચ છે. જે સ્થાનિક નિર્ણય લેવામાં ભાગીદારી દ્વારા લૈંગિક સમાનતા અને બાલિકાઓ/ મહિલાઓના સશક્તિકરણ માટે કાર્યશીલ છે. બાલિકા પંચાયતનો મૂળભૂત ઉદ્દેશ ગ્રામીણ સમુદાયમાં બાલિકાઓ/મહિલાઓ અંગે સમાજની માનસિકતામાં હકારાત્મક પરિવર્તન લાવવા અંગેનો છે. આ યોજનામાં યુવા બાલિકાઓને સંમિલિત કરીને તે દર્શાવવાનું છે કે, બાલિકાઓ પણ શાસન પ્રણાલી માં હકારાત્મક ભૂમિકા ભજવી શકે છે અને બાલિકાઓ પ્રત્યેના સામાજિક વલણમાં ફેરફાર કરવો જરૂરી છે. બાલિકા પંચાયતની રચનાનો મુખ્ય હેતુ બાલિકાઓના જન્મ, પોષણ,આરોગ્ય, ઉચ્ચ શિક્ષણ, સુરક્ષા – સલામતી અને તેમના સર્વાંગી વિકાસ દ્વારા સશક્તિકરણ કરવાનો પ્રયાસ છે. તેમજ બાલિકાઓને સરકારની વિવિધ સરકારી યોજના કાયદાઓ વિશે જાગૃત કરવા અને લાભાન્વિત કરવા તથા સમાજમાં દીકરી અને દીકરા વચ્ચેના જાતિગત ભેદભાવને દૂર કરીને દીકરીઓના જન્મ દરમાં વધારો કરવાનો છે.

મોરબી જિલ્લામાં કુલ 352 ગ્રામ પંચાયત કાર્યરત છે. જેમાં બાલિકા સરપંચ, બાલિકા ઉપ-સરપંચ અને બાલિકા સભ્ય ઉપર મુજબના વિવિધ ઉદ્દેશ્યો સાથે કાર્ય કરે છે. હાલ મોરબી જિલ્લાના ટંકારા તથા મોરબી તાલુકા ખાતે બાલિકા પંચાયતની સરપંચ દીકરીઓને તાલીમ પણ આપવામાં આવેલ છે. આ બાલિકા પંચાયત થકી  દીકરીઓ નેતૃત્વ લઈ બાલિકા પંચાયત ના હેતુ ને પરિપૂર્ણ કરી સશક્ત કિશોરી સશક્ત સમાજનું નિર્માણ કરી શકે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW