થર્ટીફસ્ટની પૂર્વસંઘ્યાએ વેરાવળના દરિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ફિશિંગ બોટને બે બૂટલેગરો સાથે ગીર સોમનાથ LCBની ટીમે ઝડપી લીધી છે. દમણમાંથી દારૂનો જથ્થો ભરીને ફિશિંગ બોટ ચોરવાડ ઉતારવા જતી હોવાનું સામે આવ્યું છે. બોટમાંથી 131 પેટી કિંમત રૂ.5.25 લાખનો દારૂનો જથ્થો, બોટ, બે એન્જિન મળી કુલ રૂ.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી દારૂનો જથ્થો મોકલનાર અને મગાવનારને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે જાણવા મળેલી વિગત મુજબ સંઘ પ્રદેશ દમણમાંથી એક ફિશિંગ બોટ વિદેશી દારૂનો જથ્થો ભરીને ગીર સોમનાથના દરિયામાં આવી રહી હોવા અંગે પોલીસને બાતમી મળી હતી. એને લઇ ગઇકાલે (30 ડિસેમ્બર) બપોરે એલસીબી PI એ.બી.જાડેજા સ્ટાફ સાથે બે ખાનગી ફિશિંગ બોટમાં સવાર થઈને દરિયામાં તપાસ અર્થે ગયા હતા. દરમિયાન વેરાવળના દરિયામાં દોઢક કિમી દૂર એક શંકાસ્પદ ફિશિંગ બોટ જોવા મળતાં એને ઘેરીને એમાં તપાસ કરાવતાં મોટી સંખ્યામાં બોક્સો જોવા મળ્યાં હતાં, જેમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હતો, આથી ફિશિંગ બોટને વેરાવળ બંદર લાવીને તમામ જથ્થો ઉતારાવી વાહનો મારફત મરીન પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી ગણતરી હાથ ધરી હતી.
આ અંગે એલસીબી PI એ.બી.જાડેજાએ જણાવ્યું હતું કે, મૂળ દ્વારકાની ફિશિંગ બોટ દમણથી દારૂ ભરીને નજીકના ચોરવાડ ખાતે ડિલિવરી કરવા જતી હતી. બોટમાંથી રૂ.5.25 લાખની કિંમતનો 131 પેટી દારૂના જથ્થા સાથે મૂળ દ્વારકાના આરિફ ગફુર ભેંસલિયા, ઈન્દ્રીશ અલરખા મુસાની નામના બે બૂટલેગરને ઝડપી લેવામાં આવ્યા છે. બોટમાં બે એન્જિન અને મોબાઈલો મળી કુલ રૂ.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
થર્ટીફસ્ટને લઈ દારૂ ઘુસાડવા સક્રિય બનેલા બૂટલેગરોએ દમણથી ફિશિંગ બોટમાં દારૂ ભરાવીને ત્રણ દિવસ પૂર્વે નીકળ્યા બાદ ગઈકાલે (30 ડિસેમ્બર) 10 પેટી જેટલો દારૂનો જથ્થો કોડીનાર પંથકના દરિયાકાંઠે ઉતારેલો, જે પોલીસે ઝડપી લીધો હતો. એની માહિતીને લઈ એલસીબીનો સ્ટાફ સક્રિય થતાં મોટો જથ્થો આવ્યો હોવાની બાતમી મળી હતી. એને લઈ એલસીબી પીઆઈ એ.બી.જાડેજાએ ખુદ સ્ટાફ સાથે દરિયામાં જઈ શોધખોળ હાથ ધરીને દરિયાઈ માર્ગે દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. જોકે બૂટલેગરો દ્વારા દરિયામાં પણ પોલીસને ચકમો આપવા પૂરી તૈયારીઓ કરી હતી, જેમાં બોટમાં ડીઝલ ભરેલા ચારેક કેરબા અને મોટા હોર્સ પાવરનાં એક્સ્ટ્રા બે એન્જિન પણ રાખેલાં હતાં, જેથી દરિયામાં પોલીસ જોવા મળે તો પૂરઝડપે બોટ હંકારીને નાસી જવાય એવી તૈયારીઓ સાથે સવાર થયા હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે.

