આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં રાજ્યની G.M.E.R.S. સંદર્ભે પૂછાયેલ પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં નવીન પાંચ જીએમઇઆરએસ મેડિકલ કૉલેજ નો ઉમેરો કરાયો છે. જેના અંતર્ગત નવીન 500 મેડિકલ બેઠકો વધી છે.
તદ્અનુસાર રાજપીપળા, નવસારી, પોરબંદર, ગોધરા અને મોરબી જિલ્લા હોસ્પિટલોને અપગ્રેડ કરીને જીએમઇઆરએસ હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે.
મંત્રી એ વધુ વિગતો આપતા જણાવ્યું હતુ કે, રાજય સરકાર દ્ધારા GMERS હેઠળ છેલ્લા 20 વર્ષમાં 13 નવી મેડીકલ કોલેજો અંતર્ગત સ્નાતક કક્ષાની કુલ 2100 અને અનુસ્નાતકની કુલ 300 ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જીએમઇઆરએસની 13 કોલેજોના સંચાલન માટે અત્યાર સુધીમાં રાજ્ય સરકારે રૂ. 5244 કરોડની રકમ ફાળવી છે.
જેની સામે ટ્યુશન ફી ની આવક રૂ. 2216 કરોડ થઇ છે. યુ.જી.ની 2100 તથા પી.જી.ની 300 મળી કુલ રૂ.2400 વિદ્યાર્થીઓમાંથી 1743 વિદ્યાર્થી સરકારની વિવિધ શિષ્યવૃતિ યોજનાઓ જેવી કે MYSY, કન્યા કેળવણી, પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના, CMSS યોજના તેમજ ફ્રી શીપ કાર્ડ યોજનાઓનો લાભ મેળવી ફી માં રાહત મેળવતાં હોય છે.
આ ઉપરાંત 8 કોલેજોના બાંધકામ માટે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં રૂ. 4287 કરોડ ફાળવેલ છે. નવી 5 કોલેજોને રાજ્યના 40 % અને કેન્દ્રના 60 % લેખે 976 કરોડ ફાળવવામાં આવ્યું હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.
વર્ષ ૨૦૨૩-૨૪માં જીએમઇઆરએસ હસ્તકની 13 મેડીકલ કોલેજોની ટ્યુશન ફીની થનાર અંદાજીત આવક રૂ. 375 કરોડ સામે 13 કોલેજો અને 14 હોસ્પિટલોના અંદાજીત રૂ. 1250 કરોડનો ખર્ચ થવાનો છે. જેની સામે સરકાર તરફથી કોલેજો અને હોસ્પિટલોના ખર્ચ માટે રૂ. 843.21 કરોડ ફાળવવામાં આવ્યા છે.
મંત્રી એ રાજ્ય સરકાર હસ્તકની મેડિકલ કૉલેજના સંચાલન સંદર્ભે વિગતો આપતા જણાવ્યું કે, રાજ્યમાં 6 સરકારી મેડીકલ કોલેજોમાં યુ.જી.ની 1400 બેઠકો તથા પી.જી. ની 1329 બેઠકો ઉપલબ્ધ છે. વર્ષ 2023-24 માં રાજ્ય સરકારે રૂ. 895 કરોડની જોગવાઇ કરેલ છે. જેની સામે ફી ની આવક માત્ર રૂ.7.39 કરોડ છે

