હળવદ તાલુકાના ચરાડવા ગામે યોજાયેલી શ્રીમદ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ તથા વિષ્ણુયાગ પારાયણમાં આજે છેલ્લા દિવસે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હાજર રહ્યાં હતા અને કથાનું રસપાન કર્યું હતુ. ચરાડવાના શ્રી મહાકાળી આશ્રમ ખાતે યોજાયેલી આ કથા પારાયણમાં નૃસિંહ ભગવાન પ્રાગટ્ય, શ્રીકૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન ઉત્સવ, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર સહિતના અલગ અલગ પ્રસંગો કથામાં રસપાન કરાવવામાં આવ્યા હતા. જેમાં તારીખ 2 નવેમ્બરથી 8 નવેમ્બર દરમિયાન હજારો ભક્તોએ આ કથાનું રસપાન કર્યું હતું અને પ્રસાદનો લ્હાવો લીધો હતો.
ચરાડવાના મહાકાળી આશ્રમ ખાતે ગુરુ દયાનંદ ગીરીજી મહારાજના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત્ જ્ઞાનયજ્ઞ તથા વિષ્ણુયાગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વક્તા કશ્યપભાઈ જોશી કચ્છવાળાના અમૃત મુખે કથાનું રસપાન કરવામાં આવ્યું હતુ. જેમાં આજે કથાના અંતિમ દિવસે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પરિવાર સાથે હાજર રહ્યાં હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે આ વખતે ભાજપની સરકાર બે તૃતિયાંસ સાથે સાતમી વાર સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો સાથે કથાના અંતિમ દિવસે સાંસદ, ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, નિતિન ભારદ્વાજ પરિવાર સાથે અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવિણભાઈ સોનાગ્રા, દલવાડી સમાજના પ્રમુખ રવજીભાઈ પરમાર, સહિત મોટી સંખ્યામાં રાજકીય આગેવાનોએ કથામાં રસપાન કર્યું હતું.

