કુવાડવા રોડ પર મોડી રાત્રે પુર ઝડપે આવી રહેલા ટ્રકે કારને ઠોકરે લેતા કારમાં બેઠેલા બે યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.અકસ્માતને પગલે બનાવ સ્થળે લોકોના ટોળા એકત્ર થયા હતા તેમજ 108ને કોલ કરતા બંને યુવકોને કારમાંથી મહામહેનતે બહાર કાઢ્યા હતા.કુવાડવા પોલીસને જાણ કરતા જ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી.તેમજ અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા ટ્રક ચાલકની શોધખોળ આદરી છે.બનાવની વધુ વિગતો મુજબ,ગઈકાલે મોડી રાત્રે કુવાડવા રોડ પર આવેલા ભગીરથ પેટ્રોલપંપ પાસે પુર ઝડપે કાળ બનીને આવી રહેલા ટ્રકે એક કારને ઠોકરે લઈ અકસ્માત સર્જતા કારમાં બેઠેલા રાજકોટના મિતેષ વિનોદભાઈ સરપદડીયા (બાવાજી) (ઉ.વ.21) (રહે.લાખેશ્વર સોસાયટી-5,પેડક રોડ) અને ભગવાન દગડુંભાઈ સોનુ(મરાઠી)(ઉ.વ.24)ને શરીરે ગંભીર ઇજા થતાં તેઓનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
અકસ્માતને પગલે મુખ્ય માર્ગ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો અને અકસ્માત સર્જનાર ટ્રકચાલક ફરાર થઇ ગયો હતો કોઈએ 108 તેમજ કુવાડવા પોલીસને જાણ કરતા બંને ત્યાં આવી પહોંચ્યા હતા અને ટ્રક ક્લિયર કરાવી સ્થાનિકોની મદદ લઇ બંને યુવકોના મૃતદેહને કારમાંથી મહામહેનતે બહાર કાઢ્યા હતા.તેમજ મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

