ઓલિમ્પિકના ગોલ્ડન સુપરસ્ટાર નીરજ ચોપરાએ અમેરિકાના યુજીનમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતને મેન્સ જેવલીન થ્રો ઈવેન્ટમાં સિલ્વર મેડલ અપાવીને ઈતિહાસ રચી દીધો હતો. નીરજે 88.13 મીટરના થ્રો સાથે સિલ્વર સફળતા મેળવી હતી.
46 વર્ષમાં સિલ્વર: આ સાથે ભારત વર્લ્ડ ચેમ્પિયનશિપના 46 વર્ષના ઈતિહાસમાં શ્રેષ્ઠ દેખાવ કરતાં સૌપ્રથમ વખત સિલ્વર મેડલ જીત્યું હતુ. વર્લ્ડ એથ્લેટિક્સમાં ભારતને 19 વર્ષ બાદ મેડલ મળ્યો હતો. છેલ્લેે 2003 ની પેરિસ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં લોંગ જમ્પર અંજુ બોબી જ્યોર્જે બ્રોન્ઝ જીત્યો હતો, જે અત્યાર સુધી વર્લ્ડ એથ્લેટિક્સમાં ભારતનો એકમાત્ર મેડલ હતો.
ટોક્યોમાં મેડલ: નીરજે ટોક્યોમાં ભારતને ઓલિમ્પિકમાં એથ્લેટિક્સના ઈતિહાસના સૌપ્રથમ મેડલ તરીકે ગોલ્ડ અપાવીને અનોખો ઈતિહાસ રચી દીધો હતો. હવે તેણે વર્લ્ડ એથ્લેટિક્સમાં ભારતને સૌપ્રથમ સિલ્વર અપાવનારા એથ્લીટ તરીકે પણ રેકોર્ડબુકમાં સુવર્ણાક્ષરે નામ નોંધાવી દીધું હતુ. નીરજની આ સિધ્ધિ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી ર્ડો. એસ. જયશંકર, સ્પોર્ટ્સ મંત્રી અનુરાગ ઠાકુર સહિતના રાજનેતાઓએ અભિનંદનની વર્ષા કરી હતી. નીરજના હરિયાણાના પાણીપતમાં આવેલા ખાન્દ્રા ગામમાં પણ ઉત્સવનું વાતાવરણ જોવા મળ્યું હતુ.

પહેલીવાર ભાગ: કારકિર્દીમાં પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભાગ લઈ રહેલા નીરજનો પહેલો થ્રો ફાઉલ રહ્યો હતો. જોકે, તેણે ત્યાર બાદના ત્રીજા અને ઓવરઓલ ચોથા પ્રયાસમાં શ્રેષ્ઠ દેખાવ કરતાં 88.13 મીટરનો થ્રો કર્યો હતો. નીરજના કટ્ટર હરિફ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે પહેલા જ થ્રોમાં 90.21 મીટરનું અંતર હાંસલ કરી લીધું હતુ. તેણે પાંચમાં અને આખરી થ્રોમાં 90.54 મીટરનો શ્રેષ્ઠ થ્રો કરતાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. જ્યારે ભારતીય સૈન્યના જવાન નીરજને સિલ્વરથી સંતોષ માનવો પડયો હતો, જે પણ ભારતીય એથ્લેટિક્સમાં એક સીમાચિહ્ન સમાન સફળતા બની રહી હતી. ચેક રિપબ્લિકના જાકુબ વાદ્લેજ્ચને 88.09 મીટરના થ્રો સાથે બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.

