અમદાવાદમાં ફરી ગુરુવારે સવારે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. અનેક વિસ્તારોમાં વીજળી કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો છે. 20 મિનિટમાં વાડજ અને ઉસ્માનપુરા વિસ્તારમાં એક ઇંચ વરસાદ ખાબક્યો.

અહીં ધોધમાર: વેજલપુર જીવરાજ તરફ ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. જ્યારે ઓઢવ અને વિરાટનગર વિસ્તારમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જીવરાજ, શ્યામલ, પાલડીમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. ધોધમાર વરસાદમાં વિઝિબિલિટી ઘટતાં વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. ચાલું વરસાદે પણ વાહનની લાઈટ ચાલું રાખવાની ફરજ પડી છે. અમદાવાદીઓમાં ફરી ડર પેસી ગયો છે કે ક્યાક રવિવાર જેવો વરસાદ ન પડે.

અંડરપાસ ફરી બંધ: ગુરુવારે સવારના 9 થી 10 દરમિયાન પશ્ચિમ વિસ્તારમાં અતિ ભારે વરસાદ નોંધાયો. 1 કલાકમાં શહેરમાં એવરેજ પોણો ઇંચ વરસાદ નોંધાયો. તો કેટલાક વિસ્તારમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ પણ નોંધાયો. ગોતા, રાણીપ, ચાંદખેડા, ચાંદલોડિયા, સાયન્સ સિટી રોડ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડ્યો હતો. પાણી ભરાતા અખબારનગર અંડરપાસ બંધ કરાયો છે.

