આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવી અનુભૂતિ ગુજરાતના લોકો કરી રહ્યા છે અમદાવાદ ડીસા અને ગાંધીનગરમાં તો મહત્તમ તાપમાન નો પારો 45 ડિગ્રીને પાર કરી ગયો છે.
ભડકે બળતા ગુજરાતમાં જાણે ઘી હોમાતું હોય તેમ હજુ આગામી બે દિવસ અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લામાં તથા સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને કચ્છમાં હીટ વેવનુ યેલો એલર્ટ હવામાન ખાતાએ જાહેર કર્યું છે. ટૂંકમાં ગરમીથી ગુજરાતીઓને કોઇ પ્રકારની રાહત થવાની નથી.

અરબી સમુદ્રમાં આજે સવારથી કરંટ જોવા મળી રહ્યો છે. ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને પ્રતિ કલાકના 40 થી 60 કિલોમીટરની ઝડપે દરિયામાં પવન રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તીવ્ર ગતિએ પવન સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકાએક વધી ગયું છે. સુરતમાં 89 દ્વારકામાં 87 ભુજમાં 91 અને વેરાવળમાં 95% ભેજ આજે સવારે નોંધાયો છે.

ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન નો પારો 45 ડિગ્રીને પાર કરી ગયો છે અને હવે તેના કારણે વાતાવરણમાં થોડો ફેરફાર થવાની શક્યતા છે. આગામી ત્રણ દિવસ દરમિયાન સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં અમુક સ્થળોએ વાદળીયું વાતાવરણ જોવા મળે અને ક્યાંક માવઠું થાય તો પણ નવાઈ નહીં તેવી સંભાવના છે.

