અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટને નવાં આકર્ષણો સાથે વિવિધ પ્રવૃત્તિથી ધમધમતો કરવા માટે તેમ જ શહેરીજનોના સ્વાસ્થ્યની સુખાકારીને ધ્યાને લઈને નાગરિકોને ફીટ બનાવવા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કૉર્પોરેશને કવાયત હાથ ધરી છે. સાબરમતી રિવરફ્રન્ટ પર ગુજરાતમાં પહેલી વાર સહેલાણીઓ માટે પૅડેસ્ટ્રિયન બ્રિજ ખુલ્લો મુકાશે જે સહેલાણીઓ માટે ડેસ્ટિનેશન બની રહેશે.

કેશવ વર્માએ કહ્યું હતું કે ‘પૅડેસ્ટ્રિયન અને સાઇકલિસ્ટ માટે રિવરફ્રન્ટ યુનિક પ્લૅસ છે. રિવરફ્રન્ટ પર અમે ઓપન જિમ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જ્યાં નાગરિકો લાઇટ એક્સરસાઇઝ કરી શકશે. આ એક્સરસાઇઝ આર્મીના કોચ કરાવશે. ઇવેન્ટ સેન્ટર તેમ જ અન્ય સ્થળોએ યોગ તેમ જ ઍરોબિક્સ એક્સરસાઇઝ પણ કરાવવામાં આવશે. એક્સરસાઇઝ અને યોગ ફ્રીમાં શિખવવામાં આવશે. આ માટે આર્મી સાથે વાત થઈ છે. શહેરના ડૉક્ટરો સાથે મળીને ઇટિંગ હૅબિટ માટે પણ પ્લાનિંગ કર્યું છે. મેન્ટલ હેલ્થ માટે ડૉક્ટરો પબ્લિકને એજ્યુકેટ કરશે અને કસરત કરાવશે.

શહેરીજનો રિવરફ્રન્ટ પર આવીને એક્સરસાઇઝ અને યોગ કરે એવા હેતુ સાથે અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ.’ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કૉર્પોરેશનના ચૅરમૅન કેશવ વર્માએ કહ્યું ફુટઓવર બ્રિજ સહેલાણીઓ માટે એક ડેસ્ટિનેશન બની રહેશે. લાઇટિંગ, મ્યુઝિક અને ફાઉન્ટેન સાથેનો આ ફુટઓવર બ્રિજ ટેક્નિકલી રીતે બનાવ્યો છે જે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ગુજરાતમાં આવો પહેલો બ્રિજ હશે એ નાગરિકોને ડેડિકેટ કરવામાં આવશે. આ મહિનાના અંત સુધીમાં એ તૈયાર થઈ જશે અને સહેલાણીઓ માટે ખુલ્લો મુકાશે. આ ઉપરાંત નેવલ વિંગ સાથે મળીને સાબરમતી નદીમાં યૉટ ક્લબ બનાવાશે અને સેઇલિંગ શરૂ થશે.

