ક્યારેક રાજનેતાઓના નિવેદન એમની કારકિર્દી બનાવી દે તો ક્યારેક બગાડી પણ દે. કોઈ વખત એવું બને કે એમનો નિર્ણય સતત અને સખત ચર્ચાતો રહે. તો ક્યારે સામાન્ય વ્યક્તિ સાથેની મુલાકાત પણ કાયમી છાપ છોડી જાય. આજના ડિજિટલ યુગમાં દરેક રાજનેતા સોશિયલ મીડિયા પર સક્રિય હોય છે. સમયાંતરે એના અનુયાયી (ફોલોઅર્સ)ની સંખ્યા ઉપર નીચે થાય ત્યારે હેડલાઈન્સ બને છે. પણ છેલ્લા દસ દિવસથી રાજકારણમાં સૌથી વધારે ચર્ચા નરેશ પટેલ અને હાર્દિક પટેલની થઈ રહી છે.

આ બંને પાટીદાર આગેવાન કોંગ્રેસના હાઈકમાન્ડ સાથે બેઠક કરીને આવ્યા છે. નરેશ પટેલે હાર્દિક પટેલ પહેલા દિલ્હી ખાતે બેઠક યોજી હતી. જ્યારે તાજેતરમાં હાર્દિક પટેલને હાઈકમાન્ડનું તેડું આવ્યું હતું. હવે હાર્દિક પટેલે પોતાના વોટ્સએપના પ્રોફાઈલ પિક્ચરને બદલી કાઢતા આ મુદ્દાને રાજકીય રંગ લાગી રહ્યો છે. એક સામાન્ય વ્યક્તિ સમયાંતરે એનું પ્રોફાઈલ બદલે છે. પણ હવે જ્યાં રાજનેતા આવું કંઈ કરે ત્યારે અવશ્ય તે વાવડ બને છે. હાર્દિક પટેલના પ્રોફાઈલ પિક્ચરમાંથી કોંગ્રેસનો પંજો નીકળી ગયો છે. ફેસબુક અને ટ્વિટરમાં પણ એ જ પ્રોફાઈલ પિક્ચર રહ્યું છે. જ્યારે ઈન્સ્ટાગ્રામ પર ફોર્મલ પિક્ચર સેટ કર્યું છે. જાણકારો કહે છે કે, હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બન્યા બાદ એના વોટ્સએપના પ્રોફાઈલમાં કોંગ્રેસના પંજાવાળું ડીપી હતું. જેમાં લખ્યું હતું હું લડીશ અને જીતીશ. પણ તા.22 એપ્રિલ પછી એમાં પરિવર્તન થયું. એનું પ્રોફાઈલ પિક્ચર એકાએક બદલી ગયું હતું.
છેલ્લા થોડા દિવસોથી તેઓ કોંગ્રેસ સામે નારાજગી અને અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. બીજી બાજું ભાજપના ગીત ગાવાના શરૂ કર્યા છે. એ ધ્યાને લેતા ગુજરાતના રાજકારણમાં કંઈક નવાજૂની થવાના એંધાણ વર્તાય છે. હાર્દિક પટેલ કોંગ્રેસ પક્ષની નેતાગીરીથી નારાજ છે. તો કેટલાક કોંગ્રેસ નેતાઓ એમની નિવેદનબાજીથી નારાજ છે. દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે મિટિંગ થયા બાદ જાણે કોંગ્રેસને અલવિદા કહેવાના હોય એવા મુડ જોવા મળ્યા છે. જોકે, એમના નિવેદનથી એક વાત સ્પષ્ટ થાય છે કે તેઓ સંગઠન અને ભાજપના નેતૃત્વથી પ્રભાવિત થયા છે.

ફેસબુક, વ્હોટ્સએપ, અને ટ્વીટરમાં હાર્દિક પટેલે જે પ્રોફાઈલ પિક્ચર મૂક્યા હતા એ ત્રણેયમાં એકસરખાં હતાં. એમાં બ્લૂ બેકગ્રાઉન્ડ સાથેપોતાનો ફોટો અને બાજુમાં કોંગ્રેસનો પંજો અંકિત હતો. આ સાથે લખ્યું હોય કે હું લડીશ અને જીતીશ. આ પ્રોફાઈલ પિક્ચર વ્હોટ્સએપમાંથી નીકળી ગયું છે. એની જગ્યાએ ફોર્મલ ફોટો આવી ગયો છે. જોકે ફેસબુક અને ટ્વિટરમાં પંજાવાળું પ્રોફાઈલ પિક્ચર યથાવત્ છે. પણ એવું માનવામાં આવે છે કે હાર્દિક પટેલ કોઈ નવાજૂની કરવાના મૂડમાં છે અને બદલાવની શરૂઆત વ્હોટ્સએપમાં ડીપીથી કરી દીધી છે.


