વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં મોટી ચહલપહલ જોવા મળી રહી છે. ભાજપ અને કોંગ્રેસમાં ભરતીમેળો શરૂ થયો હોય એવો માહોલ છે. મિશન 2022 માટે કોંગ્રેસે 10થી વધારે આગેવાનોને પોતાની કોંગ્રેસ ટીમમાં જોડી લીધા છે. રવિવારે બપોરે કોંગ્રેસ ભવનમાં એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આમ આદમી પાર્ટી અને ગુજરાત કિસાન સગંઠનના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.
આમ આદમી પાર્ટી ગુજરાતના મહામંત્રી પ્રવીણ ઘોરી, કિસાન સંગઠન ભરૂચના પ્રભારી કેયુર પટેલ, છોટા ઉદેપુરના મહિલા મોરચાના મહામંત્રી જવનિકા રાઠવા, આમ આદમી પાર્ટી છોટા ઉદેપુર જિલ્લા પ્રભારી જયમીન પટેલ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. અમરેલી, રાજકોટ, ભાવનગર, જામનગર, પાટણના આમ આદમી પાર્ટીના કિસાન સંગઠનના જિલ્લા પ્રમુખ પણ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. આ તમામનું જગદીશ ઠાકોર, સુખરામ રાઠવાએ હાર્દિક સ્વાગત કર્યું છે. તમામને કોંગ્રેસનો ખેસ પહેરાવી દેવાયો હતો. આ સાથે આમ આદમી પાર્ટીના 500થી વધારે કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. આવો દાવો કરાયો છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના મોટામાથા પણ હાજર રહ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ટ્વીટ કરીને કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી અને ગુજરાત કિસાન સંગઠનના પદાધિકારીઓ સહિત મહિલા નેતાઓ તથા કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીને અલવિદા કરીને કોંગ્રેસની વિચારધારા સ્વીકારી કોંગ્રેસમાં આવ્યા છે. એમનું સ્વાગત કર્યું…એક અઠવાડિયા પહેલા દેવભૂમિ દ્વારકામાંથી પણ કોંગ્રેસના આગેવાન તથા કાર્યકર્તાઓએ ભાજપમાં જઈને ખેસ પહેરી લીધો હતો. ચૂંટણી પહેલા પક્ષપલટાની મૌસમ શરૂ થાય છે.

પણ હાલમાં સૌરાષ્ટ્રમાંથી દરેક વ્યક્તિની નજર હાર્દિક પટેલ અને નરેશ પટેલ પર છે. કારણ કે, કોંગ્રેસમાં ઘણા નેતા હાર્દિકથી નારાજ છે. જ્યારે હાર્દિક પટેલ કોંગ્રેસની સિસ્ટમથી નિરાશ છે. જોવાનું એ રહે છે કે, હાઈકમાન્ડ સાથેની બેઠક બાદ કેવા પગલાં પડે છે. અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત પહેલા આમ આદમી પાર્ટી ગુજરાતમાં ગાબડું પડ્યું છે. આ અંગે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ જણાવ્યું હતું કે, આ તમામને આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ કોંગ્રેસમાં જોડાનારા મોટાભાગના એ જ સભ્યો છે જે સસ્પેન્ડ થઈ ગયા છે.


