કચ્છના મુન્દ્રા પાસેના ગામમાં રહેતા પ્રેમીપંખીડા સવારે ઘરેથી ભાગીને રાજકોટ આવી ગયા હતાં. પ્રેમીપંખીડા રાજકોટ આવ્યાની માહિતી પોલીસને મળતા તેને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યાં હતાં.

કચ્છના મુન્દ્રા પાસેના કાંડાગરામ ગામમાં રહેતો રાહુલ હરેશભાઈ છેડા (ઉ.વ.19) તથા અહીંના જ એક ગામમાં રહેતી એક સગીરા ગઈકાલ સવારથી લાપતા બન્યા હતા. જેથી રાહુલ જ કિશોરીને ભગાડી ગયાની શંકા ઉઠી હતી. દરમિયાન કિશોરીના પરિવારે આ બાબતે પોલીસને જાણ કરી હતી. આ બંને રાજકોટ હોવાની તેમને માહિતી મળી હતી. જેથી આ બાબતે સ્થાનિક પોલીસને જાણ કરાઈ હતી.

કચ્છ પોલીસે રાજકોટના માલવિયાનગર વિસ્તારમાં બંને રહેતા હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગે માલવિયાનગર પોલીસને જાણ કરતા પી.આઈ કે.એન. ભુકણની રાહબરીમાં ટીમે બંનેને શોધી કાઢવા માટે તપાસ શરૂ કરી હતી. દરમિયાન પોલીસ સ્ટાફે કચ્છથી ઘર છોડી નાસી ગયેલા 19 વર્ષના રાહુલ છેડા અને 17 વર્ષની સગીરાને અહીંના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ઓમનગર પાસેથી આધારકાર્ડ સાથે શોધી કાઢ્યા હતા. તેમની પૂછપરછ કર્યા બાદ આ બન્ને કચ્છથી નાસી ગયેલા યુવક-યુવતી હોવાનું માલૂમ પડયા બાદ તેમના પરિવારજનોને અને કચ્છ પોલીસને જાણ કરાઈ હતી.

