રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ થયાના આક્ષેપ કરનાર યુવાનેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરાઈ છે. ત્યારે આ મુદ્દે ધોરાજી ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્યએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને આમ આદમી પાર્ટીના નેતાને સપોર્ટ કરતા કહ્યું કે, તેણે પેપર કૌભાંડને પ્રકાશિત કરીને સરકારની મદદ કરી છે. એને ન્યાય આપો.

રાજ્યમાં થોડા સમય પૂર્વે લેવામાં આવેલી સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતિ થયાનો આપના યુવાનેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો હતો. ત્યારબાદ પોલીસ હેડક્વાર્ટરમાં યુવરાજસિંહે પોલીસ સાથે ઘર્ષણ કરીને પોલીસ જવાન ઉપર કાર ચડાવી દેવાના પ્રયાસ હેઠળ તેની ગાંધીનગર પોલીસે ધરપકડ કરી છે. ત્યારે યુવરાજસિંહને ન્યાય અપાવવા માટે કોંગ્રેસના ધારાસભ્ય મેદાને આવ્યાં છે. ધોરાજી ઉપલેટા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે, યુવરાજસિંહે પેપર કૌભાંડને પ્રકાશિત કરીને સરકારની મદદ કરી છે. એને ન્યાય આપો.

પત્રમાં લખ્યા પ્રમાણે રાજ્યમાં વિવિધ સરકારી ભરતીઓમાં થતી ગેરરીતીઓ અને શિક્ષણને લગતા પ્રશ્નોને લઇ ગુજરાતના યુવા સંગઠનો તથા વિધાર્થી આગેવાનો દ્વારા સરકાર સમક્ષ ન્યાય બાબતે જ્યારે જ્યારે અવાજ ઉઠાવવામાં આવે છે. ત્યારે સરકારી ભરતીઓમાં થતી ગેરરીતીની તપાસ કરવાને બદલે ન્યાય મેળવવા આંદોલનો કરતા વિધાર્થીઓ પર અને વિધાર્થી આગેવાનો પર કાર્યવાહી કરવા યોગ્ય નથી. આપને વિનંતી છે કે, રાજ્યના યુવાનોના પ્રશ્નો રજુ કરતા યુવા નેતાઓ જેવા કે યુવરાજસિંહ જાડેજા જેમને છેલ્લા કેટલાક સમયથી પેપર કૌભાંડોને પ્રકાશિત કરીને એક રીતે સરકારની મદદ કરી છે. એમને યોગ્ય ન્યાય આપીને સરકારે સાચા ગુનેગારોને પકડવા માટે તત્પર બનવું જોઈએ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકારશ્રી દ્વારા યોગ્ય ન્યાય મળે તથા વિવિધ સરકારી ભરતીઓમાં થતી ગેરરીતીમાં પકડાયેલ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી આપને ભલામણ છે.

