કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોટું ધીંગાણું થયું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના જોઇન્ટ CEO અને નાયબ કલેક્ટર નિલેશ દુબેએ આદિવાસી સમાજ અંગે અપમાનજનક ટિપ્પણી કરી હતી. જેના કારણે આદિવાસી સમાજ વિફર્યો હતો. મામલો ત્યાં સુધી બિચ્કયો હતો કે, પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ દરમિયાન નિલેશ દુબેના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. એ સમયે પોલીસ અને સ્થાનિક વચ્ચે ઘર્ષણ થયું હતું.

જોકે, લોકોનો આક્રોશ જોઈને પોલીસે પૂતળું જલાવવા દીધું. પણ કેવડિયા પાસે આવેલી એકતા મોલ પાસે આદિવાસી સમાજના આગેવાન રસ્તા પર બેસી જતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જેના કારણે આંદોલન કરનારાઓમાં દોડધામ મચી ગઈ હતી. નિલેશ દુબેની સામે આદિવાસીઓનો રોષ ચરમસીમાએ પહોંચી ગયો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર નિલેશ દુબેએ CISFના અધિકારી સાથે વાત કરતી વખતે આદિવાસી સમાજ સામે અપમાનજનક શબ્દપ્રયોગ કર્યા હતા. જેની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જેના કારણે આદિવાસી સમાજ રોષે ભરાયો છે. કેવડિયા બચાવો આંદોલન સમિતી, ભાજપ અને કોંગ્રેસ તરફથી આપવામાં આવેલા કેવડિયા બંધના એલાનને પગલે કેવડિયા સજ્જડ બંધ રહ્યું છે. નિલેશ દુબે હાય હાયના નારા લોકોએ લગાવ્યા હતા. કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે કેવડિયામાં વધારાની પોલીસ ખડકી દેવાઈ છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના પ્રોજેક્ટો પર કામ કરતા તમામ આદિવાસી કર્મચારીઓ પણ હડતાળ પર ઉતરી ગયા છે. જેના કારણે માહોલ સંવેદનશીલ બની ગયો છે.

આ કેસમાં નિલેશ દુબેએ કહ્યું હતું કે, મારા નામના ઉલ્લેખ સાથેનો એક ઓડિયો ક્લિપ વાઇરલ થઈ છે. જે ઓડિયો એડિટ કરીને ચલાવાઈ રહ્યો છે. જે અડધુ સત્ય રજૂ કરે છે. વાસ્તવમાં SOU કેમ્પસમાં એક કર્મચારીને CISFના મહિલા કર્મચારી સાથે મોટો વિવાદ થયો હતો. જે કર્મચારીએ મને ફોન કરીને ફરિયાદ કરી હતી. એ સમયે SOUના મારા હાથ નીચેના કર્મચારીના બચાવમાં અમુક શબ્દો કહ્યા જે એ વ્યક્તિ માટે વ્યક્તિગત રહ્યા હતા. પણ કેટલાક કારણોસર આખા ઓડિયોના બદલે એને એડિટ કરીને અમુક જ ભાગ વાયરલ કરાયો છે. આખો ઓડિયો સામે આવો તો હકીકત સામે આવે, તેમ છતાં મારી ભાવના કોઈ એક જાતિ માટે ન હતી. ભવિષ્યમાં રહેશે નહીં.

આમ છતાં પણ કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય, દુભાઈ હોય તો હું દિલગીર છું. ફરીથી કહું છું કે, મારા હાથ નીચેના કર્મચારીને બચાવવા માટે સમગ્ર વાતચીત થઈ હતી. એના સિવાય બીજો કોઈ મારો હેતું નથી. વર્ષ 2018થી હું આ જગ્યાએ ફરજ બજાવું છું અને સ્થાનિકોને સાથે રાખીને જુદા જુદા વિસ્તારમાં કામ કરી રહ્યો છું. આ વાત સૌ જાણે છે. કેટલાક લોકો સમાજને ગેરમાર્ગે દોરવા માટે આવા એડિટ કરેલ ઓડિયો વાયરલ કરી રહ્યાં છે.

