અમદાવાદ જિલ્લામાં રહેતા એક પ્રોફેસર એવી રીતે શિકાર થયા છે જેની કોઈએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. સમલૈંગિક સંબંધો માટેની એપ્લિકેશનથી આ પ્રોફેસરને ફસાવીને તેની પાસેથી લાખો રૂપિયા પડાવી લેતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ ટોળકીના આ સમગ્ર પ્રકરણમાં અમદાવાદ જિલ્લાના બે આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીઓને પકડવા માટે પ્રયાસો શરૂ કરી દીધા છે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસે પકડેલા બે આરોપીઓનું નામ દીપેન પટેલ અને હર્ષિલ પટેલ હોવાનું જાણવા મળે છે. આ બંને આરોપીઓએ સમલૈંગિક સંબંધો માટે વપરાતી GRINDR એપ્લિકેશન પર એક ફેક એકાઉન્ટ તૈયાર કર્યું હતુ. પછી લોકોને છેતરવા માટે ઉપયોગમાં લેવાતું હતું. અમદાવાદ શહેરના નિર્ણયનગર પાસે આવેલા ગ્રીન સીટી ફ્લેટમાં બોલાવી એક નિવૃત્ત પ્રોફેસરને સમલૈંગિક સંબંધો માટે એમની પાસેથી રૂપિયા રૂ.5 લાખ પડાવી લીધા. જે અંગે પોલીસે તપાસ કરી બે આરોપીને ઝડપી લીધા છે. આ સાથે જ મારામારી કરનાર અન્ય 4 આરોપી ફરાર થઈ ગયા છે. જેની પોલીસે શોધખોળ કરવા માટે ટીમ તૈયાર કરી તપાસ ચાલું કરી દીધી છે. GRINDR એપ્લિકેશન એક એવી એપ્લિકેશન છે કે જ્યાં સજાતીય સંબંધો ધરાવતા લોકો વાતો કરે છે અને એક બીજા સાથે મુલાકાત કરે છે. આ કેસમાં પ્રોફેસરે બદનામી થવાના ડરથી કોઈ પ્રકારની ફરિયાદ કરી ન હતી.

આરોપી દીપેને ખોટા નામે એકાઉન્ટ બનાવી લોકો સાથે ચિટિંગ કર્યું હતું. માત્ર યુવકોને ફસાવી ઝડપાયેલા બે આરોપી હર્ષિલ અને દીપેન મળવા બોલાવતા અને ત્યારબાદ આ ગુનાના ફરાર ચાર આરોપીઓ બળજબરીપૂર્વક એની પાસેથી જે કંઈ રૂપિયા હોય એ પડાવી લેતા હતા. સજાતીય સંબંધો અને બદનામીના કારણે પોલીસ સુધી ફરિયાદ પહોંચતી નથી. જોકે ગ્રામ્ય સાયબર સેલને ફરિયાદ મળતા પોલીસે આ ગુનાના બે માસ્ટર માઇન્ડની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે બંને આરોપી ધો.10 પાસ છે. કેટલાક સમયથી કામ ધંધા વગરના બેરોજગાર પણ છે. જેથી કરી લોકો પાસેથી રૂપિયા પડાવવાનો આ શોર્ટકટ શોધી કાઢ્યો. જોકે ધરપકડ બાદ અન્ય કેટલા લોકો પાસેથી રૂપિયા પડાવ્યા છે. તેની તપાસ પોલીસે શરૂ કરી છે.

