પેટ્રોલ ડીઝલમાં વધી રહેલા ભાવને કારણે અનેક એવા લોકો CNG પોતાની કારમાં ફીટ કરાવી રહ્યા છે. જોકે, CNG કારમાં આગ લાગવાની ઘટના દિવસે દિવસે વધી રહી છે. મહાનગર અમદાવાદમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના શાસ્ત્રીનગરમાં CNG કારમાં વિસ્ફોટ થયો હોવાની ઘટના સામે આવી છે. જોકે, આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી. ખાસ વાત એ છે કે, કારમાં જ્યારે ધડાકો થયો ત્યારે કારમાં બે વ્યક્તિઓ બેઠા હતા.
પણ આ ઘટનામાં એમનો બચાવ થયો છે. હાલમાં આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. અમદાવાદ શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં બ્લેક કલરની હોન્ડા સિટીમાં બ્લાસ્ટ થતા નાસભાગ મચી ગઈ હતી. આ સમગ્ર ઘટના નજીકમાં રહેલા CCTVમાં કેદ થઈ ગઈ હતી. કાર રસ્તા વચ્ચે ઊભી અને અચાનક કારમાં બ્લાસ્ટ થતા કારના પાર્ટ્સ પ્રચંગ વેગ સાથે હવામાં ઘા થાય છે. જેમાં કારના ફૂરચેફૂરચા ઉડી જાય છે. કાચ તૂટીને રસ્તા પર ફેલાઈ જાય છે. બ્લાસ્ટ થયો ત્યારે અંદર બે વ્યક્તિઓ બેઠા હતા. પણ એમને બચાવ થયો છે એમને કંઈ થયું નથી. બ્લાસ્ટને કારણે થોડા સમય માટે નાસભાગ મચી ગઈ હતી. આ પહેલા ભરૂચમાં નર્મદા ચોકડી પાસે CNG સ્ટેશન પર ગેસ ફિલિંગ વખતે કારની ટાંકી ફાટી હતી. આવી જ ઘટના અમદાવાદના શાસ્ત્રીનગરમાં બની હતી.
જેમાં પણ ટાંકી ફાટી ગઈ હતી. ભરૂચમાં CNG ગેસપમ્પ પર લાગેલા CCTVમાં બ્લાસ્ટની સમગ્ર ઘટના રેકોર્ડ થઈ હતી. સદનસીબે સુરતના કોન્ટ્રાકટર પરિવાર અને CNG પમ્પ પર હાજર સ્ટાફનો ચમત્કારિક બચાવ થયો હતો. ફિલર સહિત કારની 4 વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. દિવસે દિવસે જેમ પેટ્રોલ ડીઝલના ભાવ વધે છે ત્યારે ફોરવ્હીલર્સ માલિકો CNG કિટ ફીટ કરાવે છે. જેમાં તે ક્યારેક નબળી ગુણવત્તાવાળી હોવાને કારણે બ્લાસ્ટની ઘટના બને છે.

