વર્ષ-2022ના માર્ચનો મહિનો ક્રિકેટપ્રેમીઓ માટે યાદગાર બની રહેવાનો છે. આ મહિને અનેક મહત્ત્વની ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થઈ રહી છે. જેમાં ICC મહિલા વર્લ્ડકપનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત દુનિયાની સૌથી અમીર ગણાતી ક્રિકેટ ટુર્નામેન્ટ IPLની 15મી સીઝનનો પ્રારંભ પણ તા. 26 માર્ચે થવાનો છે. ભારત અને શ્રીલંકા વચ્ચે તા.4 માર્ચથી ટેસ્ટ શ્રેણી શરૂ થશે. વન ડે મેચમાં શ્રીલંકાને ક્લિન સ્વિપ કર્યા બાદ હવે ટેસ્ટમાં ખરી કસોટી થશે. જેની પહેલી મેચ મોહાલીમાં રમાશે.
આ ઉપરાંત રાવલપિંડીમાં પાકિસ્તાન-ઑસ્ટ્રેલિયા વચ્ચે પણ ટેસ્ટ મેચ તા.4 માર્ચથી શરૂ થશે. ભારત-શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ ડે-નાઈટ ફોર્મેટમાં પીન્ક બોલથી જે બેંગ્લોરના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. જે તા. 12 માર્ચથી શરૂ થશે. કરાંચીમાં તા.12 માર્ચથી પાકિસ્તાન અને ઑસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની બીજી ટેસ્ટ મેચ રમાશે. મહિલા વર્લ્ડકપમાં ભારતીય ટીમ પોતાના નવા કેરિયરનો પ્રારંભ પાકિસ્તાન સામેના મેચથી કરશે જે તા.6 માર્ચ-2022ના રમાશે. તા. 10 માર્ચે મેજબાન ન્યુઝીલેન્ડ સામે તેની ટક્કર થશે. ટુર્નામેન્ટની સેમિફાઈનલ મેચ તા.30 અને 31 માર્ચે રમાશે. પહેલી સેમિફાઈનલ વેલિંગ્ટન તો બીજી ક્રાઈસ્ટચર્ચમાં રમાશે. જ્યારે ફાઈનલ આવતાં મહિને તા.3 એપ્રિલે ક્રાઈસ્ટચર્ચમાં રમાશે. IPLની 15મી સીઝનમાં આ વખતે આઠની જગ્યાએ 10 ટીમો લીગમાં ભાગ લેશે. તા.18 માર્ચથી દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની વન-ડે શ્રેણી પણ રમાશે. પાકિસ્તાન અને ઑસ્ટ્રેલિયા વચ્ચે પણ વન-ડે શ્રેણી રાવલપિંડીમાં રમાશે.

ઈંગ્લેન્ડ-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વિઝડન ટ્રોફી ટેસ્ટ શ્રેણી 8 માર્ચથી શરૂ થશે. વિન્ડિઝની મેજબાનીમાં ઈંગ્લેન્ડ ટીમ 3 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. શ્રેણીની બીજી ટેસ્ટ બાર્બાડોઝમાં 16 માર્ચથી જ્યારે ત્રીજી અને અંતિમ ટેસ્ટ ગ્રેનાડામાં 24 માર્ચથી રમાશે. આ ઉપરાંત રણજી ટ્રોફી મેચ પણ આયોજિત થશે જેમાં દિગ્ગજ ટીમો એકબીજા સામે ટકરાશે. આ ઉપરાંત પાકિસ્તાનમાં લિસ્ટ ‘એ’ ક્રિકેટ ચેમ્પિયનશિપના મુકાબલા પણ રમાશે. જ્યારે ઑસ્ટ્રેલિયામાં માર્શ કપની ફાઈનલ મેચ 11 માર્ચે મેલબર્નમાં રમાશે.

