ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. જે પ્રમાણે તા. 28મી માર્ચથી 12 એપ્રીલ સુધી બોર્ડની પરીક્ષા યોજાશે. ધો. 10માં પ્રથમ વખત ગણિતની બે પરીક્ષા અલગ અલગ દિવસે લેવાશે.

જેમાં 30 માર્ચે બેઝિક ગણિત અને 31મી માર્ચે સ્ટાન્ડર્ડ ગણીતની પરીક્ષા લેવાશે. કોરોનાના કારણે ગત વર્ષે બોર્ડમાં માસ પ્રમોશન અપાયું હતું. જેથી પરીક્ષા યોજાઈ ન હતી. તેવામાં બે વર્ષ બાદ આ વખતે બોર્ડની પરીક્ષા યોજાશે. આ વર્ષે 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે.

ધો. 10માં અંદાજે 9.70 લાખની આસપાસ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટેના ફોર્મ ભર્યાં છે. જ્યારે ધો. 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4.22 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યાં હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ ધો. 10 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ જેટલા ફોર્મ ભરાયા છે.

રાજ્યમાં ઓમિક્રોનના કેસો વધતા ધો. 10 અને 12 બોર્ડનીઅને ધો. 9થી 11ની પરીક્ષા બે અઠવાડીયા સુધી પાછી ઠેલાઈ હતી. જેના કારણે ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષા 14ના બદલે 28 માર્ચથી શરૂ થશે. સાથે જ ઉનાળુ વેકેશન પણ પાછું ખસેડાયું છે.

