જામનગરની બેડી મરીન પોલીસનો જવાન ટ્રક ચાલક પાસેથી રૂપિયા 11 હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યો હતો. કોલસો લઈને જઈ રહેલા ટ્રકચાલકોને હેરાનગતિ નહીં કરવા બદલ ટ્રકના માલિક પાસેથી લાંચિયા પોલીસકર્મીએ લાંચ માગતા એસીબીના છટકામાં આબાદ ઝડપાઈ જતા એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં એસીબીની ટીમે સફળ ટ્રેપ પાર પાડી છે. બેડી મરીન પોલીસ દફ્તરમાં ફર બજાવતા ઘનશ્યામસિંહ જાડેજા નામના પોલીસ કર્મચારીએ એક આસામી પાસેથી બંદર તરફ કોલસા ભરેલા વાહનોના સુચારૂ પરિવહન માટે લાંચની માગણી કરી હતી. પોલીસકર્મીએ વાહનોનું બેરોકટોક આવાગમન ચાલુ રહે તે માટે વાહનોના માલિક પાસેથી રૂપિયા 11 હજારની લાંચની માગણી કરી હતી. વાહન માલિકે આ અંગેની ફરિયાદ જામનગર એન્ટી કરપ્શનની ટીમનો સંપર્ક કર્યો હતો.

જામનગર એસબી પીઆઈ પરમાર સહિતની ટીમે બેડી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રેપ ગોઠવી હતી. જેમાં ઘનશ્યામસિંહ જાડેજા નામનો લાંચિયા પોલીસકર્મી ઘનશ્યામસિંહ જાડેજા રૂપિયા 11 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઈ ગયો હતો. એસીબીએ લાંચિયા પોલીસકર્મી સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

