પંચમહાલના વેજલપુર તાલુકાના ખરસાલિયા ગામે રહેતા આર્મી જવાને પોતાના લગ્નના વરઘોડામાં બંદુકમાંથી હવામાં ફાયરિંગ કર્યાનો વીડિયો સોશયલ મીડિયામાં વાઈરલ થયો છે. તો બીજી તરફ આ વરઘોડામાં અનેક યુવાનો તલવાર લઈને પણ નાંચી રહ્યાં હોવાનું સામે આવતા પોલીસે આર્મીમેન જવાન સહિત બે યુવાનો સામે ગુનો નોંધ્યો છે.

ખરસાલિયા ગામે રહેતા ભરતભાઈ ઉદાભાઈ સોલંકીના પુત્ર અને આર્મીમાં ફરજ બજાવતા વરરાજા અંકિત સોલંકીએ રાત્રે નીકળેલા વરઘોડામાં ઉત્સાહમાં આવીને પોતાના હાથમાં બંદુક લઈ લધી અને હવામાં ફાયરિંગ કર્યું હતું. તો બીજી તરફ આ જ વરઘોડામાં અનેક યુવાનો હાથમાં તલવાર લઈને પણ નાચી રહ્યાં હોવાનો વીડિયો સોશયલ મીડિયામાં વાઈરલ થતા પોલીસ દોડતી થઈ હતી.

પોલીસે તપાસ કરતા વરરાજા અંકિતે બાર બોરવાળી બંદુકમાંથી ફાયરિંગ કર્યું હતું. આ બંદુક કોની છે તે અંગે હાલ તો પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ પોલીસે વરરાજા અને તેની સાથે રહેલા જયદીપ સોલંકી વિરૂદ્ધ આર્મ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

