રાજકોટ શહેરમાં છાશવારે સીટી બસના ચાલકોની દાદાગીરી સામે આવતી હોય છે. ત્યારે શહેરના માલવીયા ચોકમાં આજે સવારે સીટી બસ ચાલક દ્વારા બાઈક ચાલક વૃદ્ધને લાફા મારીને માર મારવાનો વીડિયો સોશયલ મીડિયામાં વાઈરલ થયો છે. પોલીસે ગણતરીની કલાકોમાં દાદાગીરી જમાવનાર સીટી બસના ચાલકની ધરપકડ કરીને કાર્યવાહી કરી હતી.

માલવિયા ચોકમાં સવારે 11 વાગ્યાના અરસામાં રોડ ક્રોસ કરતા બાઈકચાલક અને સીટી બસના ચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સમયે એકીસાથે 3-3 સીટી બસના ડ્રાઈવર અને કંડક્ટર એકઠા થઈ ગયાં હતાં અને રસ્તા ઉપર ટ્રાફિક જામ કર્યો હતો. તો સીટી બસના ચાલક વિજય કાપડીએ બાઈકચાલક વૃદ્ધને અપશબ્દો બોલીને ફડાકા ઝીંકી માર માર્યો હતો તથા જાહેરમાં લુખ્ખાગીરી કરીને રોફ જમાવ્યો હતો.

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આ ઘટનાબાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર સી.જે. જોશી પસાર થતા તેમણે બસ ચાલક વિજય કારડીને બસમાંથી નીચે ઉતારીને અટકાયત કરી પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. આરોપી બસ ચાલકે હવે મારાથી ભુલ થઈ ગઈ એ વાતનો મને અફસોસ હોવાનું રટણ કર્યું હતું. વૃદ્ધ બીજા બસવાળા સાથે લપ કરતા હતા તો હું છુટા પડાવવા માટે ગયો હતો આથી વૃદ્ધ મને અપશબ્દો બોલવા લાગ્યા હતા એટલે માથાકુટ થઈ હતી. બેફામ નથી માર્યા પણ બે-ચાર ફડાકા ઝીંક્યા હોવાની કબુલાત આપી હતી.

