રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાની ત્રીજી લહેર પીક ઉપર પહોંચી ચુકી છે. શહેરોમાં તંત્ર દ્વારા લગાવવામાં આવેલા ટેસ્ટિંગ બુથો ઉપર પણ લાંબી લાઈનો લાગી રહી છે. ત્યારે લોકો હવે ઘરે જ કોરોનાના ટેસ્ટ કરી રહ્યા છે. બજારમાં વેચાઈ રહેલી કોવિસેલ્ફ નામની ટેસ્ટ કીટના વેચાણ ત્રણ દિવસમાં વધ્યું છે. જેમાં દરરોજ 15 હજાર જેટલી કીટો મેડીકલ સ્ટોરમાંથી વેચાઈ રહી છે.

રાજ્યમાં વધી રહેલા કોરોનાના આંકડા લોકોને ડરાવી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 53 દર્દીના મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે. કોરોનાના બિહામણા આંકડાના પગલે લોકો હવે તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલા ટેસ્ટિંગ બુથના સ્થાને ઘરે જ કોરોનાનો ટેસ્ટ કરવાનું વધારે પસંદ કરી રહ્યાં છે. તો બીજી તરફ નિષ્ણાંતોનું પણ માનવું છે કે, જે પણ આંકડા આવી રહ્યાં છે તે ઘણા ઓછા છે પોઝિટીવ દર્દીની સંખ્યા તેના કરતા ઘણી જ વધારે છે.

હાલમાં મેડિકલ સ્ટોરોમાં કોવિડ ટેસ્ટ માટે સેલ્ફ ટેસ્ટ કીટ આવી ગઈ છે. છેલ્લા ત્રણ દિવસમાં તેના વેચાણમાં પણ વૃદ્ધિ થઈ છે. ત્રણ દિવસ પહેલા રોજની 1 હજાર જેટલી જ ટેસ્ટ કીટ વેચાતી હતી ત્યારે હવે રોજની 15 હજાર જેટલી ટેસ્ટ કીટ વેચાઈ રહી છે. ICMR દ્વારા આ ટેસ્ટ કીટને મંજૂરી અપાઈ છે. જે તમામ દવાની દુકાનોમાં સરળતાથી મળી રહે છે. આ કીટનો સક્સેસ રેશીયો 95 ટકા જેટલો છે. આ કીટથી લોકો સરળતાથી પોતાના ઘરે જ કોરોનાનો ટેસ્ટ કરી શકે છે.

